સુરત: મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, જુઓ શું છે ખાસ

સુરત મહાનગર પાલિકાનું નાણાંકીય વર્ષ 2020-21નું રીવાઇઝડ બજેટ અને વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગર પાલિકાનું નાણાંકીય વર્ષ 2020-21નું રીવાઇઝડ બજેટ અને વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સ્થાયી સમિતિની મંજૂરીની અપેક્ષાએ રજૂ કર્યું છે. બજેટનું કદ રૂા.6534 કરોડનું રહ્યું છે. જે ગત વર્ષે 6100 કરોડનું બજેટ હતું. નાણાકીય વર્ષ 2020-21 કોરોના કાળમાં જ નીકળી જતાં વિકાસ કામો થઇ શક્યા નથી. વર્ષ 2020-21ના બજેટમાં વિકાસ કામો પાછળ 2775 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો. જેની સામે અત્યાર સુધીમાં માત્ર 1500 કરોડના જ કામો થયા છે.
2021-22નું ડ્રાફ્ટ બજેટમાં પાલિકાના હદવિસ્તરણથી સમાવાયેલા નવા વિસ્તારોમાં ડ્રેનેજ, પાણી, રસ્તા અને બ્રિજની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે આરોગ્યને લઈને પણ પાલિકા દ્વારા સ્મીમેરની કેપેસિટીની સાથે સાથે નવા હેલ્થ સેન્ટર વધારવાની વાત કરવામાં આવી છે.કોઈ વેરા વધારવામાં ન આવ્યા હોવાનું કહીને પાલિકા કમિશનરે બજેટને લોકોનું બજેટ ગણાવ્યું હતું.