સુરતમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે મનપા દ્વારા ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ વાહનના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ કોરોના કહેર વચ્ચે માસ્ક અને ગ્લોવ્સ વગર કામ કરતા નજરે પડી રહ્યા છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...
સુરત શહેરના દિન પ્રતિદિન કોરોનાનો કાળ વકરી રહ્યો છે, ત્યારે સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે આવેલ નિર્મલ હોસ્પિટલની બહારના આ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો કે, મનપા દ્વારા ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ વાહનો પર કામ કરતા કર્મચારીઓ માસ્ક અને ગ્લોવ્સ વગર જીવન જોખમે કામ કરી રહ્યા છે. જોકે કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજૂર કર્મચારીઓને બે ટાઈમના ભોજનની ચિંતા રહેતી હોય છે. તેની વચ્ચે કોન્ટ્રાક્ટર કર્મચારીઓને ફક્ત એક જ વખત માસ્ક આપી મજૂરોને સ્વખર્ચે માસ્ક અને ગ્લોવ્સ લેવા માટે જણાવે છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરિયાત મુજબ માસ્ક અને ગ્લોવ્સ ન અપાતાં કર્મચારીઓને જીવના જોખમે કામ કરવું પડી રહ્યું છે.
કોરોના મહામારી વચ્ચે સુરત શહેર મનપા કમિશનર લોકોને ફરજિયાત માસ્ક પહેરી રાખવા માટે અપીલ કરી રહ્યા છે. શહેરના અલગ-અલગ સોસાયટીઓના પ્રમુખો સાથે મિટિંગો યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો કાર્ય કરી રહ્યા છે. કોરોનાના કહેર વધુ ફેલાતો અટકાવવા માટે કમિશનરની મહેનત વચ્ચે ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટર પાણી ફેરવી રહ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે હવે સુરતમાં કોરોનાનું કાળરૂપી ચક્ર વધુ વકરે છે કે, નહીં તે જોવું રહ્યું..!