Connect Gujarat
Featured

સુરત : ધો-6થી 8ના અભ્યાસ વર્ગો પુનઃ શરૂ કરાયા, શિક્ષકોએ વિદ્યાર્થીઓનું ફૂલોથી સ્વાગત કરી આવકાર્યા

સુરત : ધો-6થી 8ના અભ્યાસ વર્ગો પુનઃ શરૂ કરાયા, શિક્ષકોએ વિદ્યાર્થીઓનું ફૂલોથી સ્વાગત કરી આવકાર્યા
X

રાજ્યભરમાં આજથી શાળાઓમાં ધોરણ 6થી 8ના અભ્યાસ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં પણ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શાળાએ આવી પહોચ્યા હતા, ત્યારે શિક્ષકો દ્વારા ફૂલોથી સ્વાગત કરી તમામ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં કોરોના કાળ દરમ્યાન છેલ્લા ઘણા સમયથી શાળા-કોલેજ સહિતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તો સાથે જ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને સરકારની ગાઈડલાઇનના પાલન સાથે શરૂ પણ કરવામાં આવી છે. જોકે 11 માસ બાદ રાજ્યભરમાં ધોરણ 9 અને 11 વર્ગો પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા, ત્યારે સુરત શહેરના પાંડેસર વિસ્તારમાં આવેલ શ્રી દામોદરહરી ચાપેગર શાળા નં. 222માં પણ ધોરણ 6થી 8ના અભ્યાસ વર્ગોને રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા છે.

તો સાથે જ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર થયા છે. જેમાં વાલીઓ પાસે સંમતિ પત્રક લઇ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા ફૂલોથી સ્વાગત કરી તમામ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. ઉપરાંત શાળાએ આવતા તમામ વિદ્યાર્થીઓને સૌપ્રથમ સેનેટાઈઝિંગ તેમજ સ્ક્રીનીંગ કર્યા બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોનાની ગાઈડલાઈન અનુસાર વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓની સુચારું બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે ઓનલાઈન અભ્યાસ કરતા ઓફલાઇન અભ્યાસમાં સારી રીતે ભણતર થતું હોવાનો શિક્ષકોએ મત વ્યક્ત કર્યો હતો.

Next Story