સુરતમાં મિત્ર પાસેથી વ્યાજે લીધેલા એક લાખનું વ્યાજ ચૂકવવા બીજા વ્યાજખોર પાસેથી બેગમપુરાના યુવકે નાણાં લીધા હતા.બંનેનું વ્યાજ ભરીને થાકવા છતાં તેનો અંત નહિ આવતા યુવકે ઝેરી દવા ગટગટાવી મોતને વહાલુ કરી લીધું હતું.
સુરતના બેગમપુરા રહમાન મંઝિલમાં રહેતા ગુલામખ્વાજા ઉર્ફે ગુલ્લુમીયાં ઇસ્માલ શેખએ ગત 12મીએ તેના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.ગંભીર હાલતમાં તેને બુરહાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલ દ્વારા મહિધરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં દોડી ગઇ હતી.
યુવકની પત્ની સમીરાબાનુએ આપેલા નિવેદનને આધારે પોલીસે બેગમપુરા તુલસી ફળિયું, કાલુશાહીના મહોલ્લામાં રહેતા શાબીર ગુલામ મુસ્તુફા શેખ અને ઇબ્રાહિમ ચાચા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પરચુરણ એજન્ટ તરીકે કામ કરતા ગુલામ ખ્વાજાને કોરોના બાદ આર્થિક મુશ્કેલી ઊભી થતાં તેણે શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો.
તેની ચૂકવણી કરવા ઇબ્રાહિમ ચાચા પાસેથી 35 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. પહેલા એક વ્યાજખોર હતો, હવે બે થઈ ગયા હતા.બંને વારંવાર વ્યાજને લઈ ધાકધમકી આપતા હોવાથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.જેનું રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.