New Update
સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને લાંચની માંગણી કરવામાં આવી હતી. જે અંગે ACBમાં ફરિયાદ કરવામાં આવતા રૂપિયા 10 લાખની લાંચની માંગણીમાં કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે અન્ય કોર્પોરેટર જીતુ કાછડીયા ફરાર છે.
સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.53 ના ફાઇનલ પ્લોટ નં.88 માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે. અને અહીંયા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી.
સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં.16 અને 17 ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયાએ આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી.તે દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જાનવીને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી હતી,અને રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી..
જે અંગે કોન્ટ્રાકટર દ્વારા ACBનો સંપર્ક કરીને રેકોર્ડિંગ સહિતના પુરાવા આપીને ફરિયાદ કરવામાં આવી હતી,તેથી ACB દ્વારા વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી હતી,જ્યારે ફરાર જીતુ કાછડીયાની ધરપકડ માટેના ACBએ ચક્રો ગતિમાન કર્યા હતા.આ ઘટના અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તીખી પ્રતિક્રિયા આપી હતી,અને આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર પાર્ટી હોવાના આક્ષેપ કર્યા હતા.
Latest Stories