/connect-gujarat/media/post_banners/38125dd12a24cf35ff18a157504e77ffd8552deb8bdaf68f894d968ab20e08ce.jpg)
સુરતમાં બે મહિના પહેલાં લાજપોર જેલ બહાર રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. ટપોરીએ પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવ્યો હતો.પોલીસે કડિયા પાસે બારી અને દરવાજો ખોલાવી અંદર છુપાયેલા સજ્જુને પકડી પાડ્યો હતો. સજ્જુ કોઠારીના ઘરમાં જ બીજા રૂમમાં બહારથી તાળુ મારીને રહેતા ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ દબોચી લેવાયો છે. આખા ઓપરેશનની વાત કરવામાં આવે તો સજજુ કોઠારી તેના નાનપુરાના જમરૂખગલીના નિવાસે છુપાયો હોવાની ચોકકસ બાતમી ક્રાઇમ બ્રાંચને મળી હતી.
પોલીસથી બચવા માટે સજજુએ તમામ વ્યવસ્થાઓ કરી રાખી હતી. બિલ્ડીંગના મુખ્યગેટમાંથી પોલીસ અંદર ન પ્રવેશી શકે તે માટે લોખંડના ખિલાઓ લગાવાયાં હતાં જેથી બિલ્ડીંગની અંદર જવા પોલીસને નિસરણની મદદ લેવી પડી હતી. ક્રાઇમ બ્રાંચના એસીપી એસીપી આર. આર. સરવૈયા સહિત ૩ પીઆઈ, ૭ પીએસઆઈ અને 40 પોલીસ જવાનોએ 5 માળની બિલ્ડીંગને 10થી વધુ વખત તપાસી હતી પણ સજજુ મળી આવ્યો ન હતો. પોલીસે ફ્લોરિંગ પણ ચેક કર્યું હતું. પણ સજ્જુ મળ્યો નહીં છતાં બાતમી હોવાને કારણે પોલીસે ઘરની અંદર શોધખોળ ચાલુ રાખી. મુખ્ય રૂમના શો કેસની બાજુમાંથી પોલીસને ગુપ્ત રૂમ મળી આવ્યો હતો અને તેમાં સજજુ કોઠારી છુપાયેલો હતો. પોલીસે દીલધડક ઓપરેશન કરી સજજુ કોઠારી તથા સમીર શેખને ઝડપી લીધાં છે.