New Update
કાપડ નગરી સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
ઉમરવાડા ટેનામેન્ટના રહીશો પરેશાન
અસામાજિક તત્વો ધમકી આપતા હોવાના આક્ષેપ
સ્થાનિકોએ પોલીસ કમિશ્નરને કરી રજુઆત
તાત્કાલિક પગલા ભરવા માંગ
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિન - પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આજે સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઉમરવાડા ટેનામેન્ટના રહીશોએ આવેદનપત્ર આપી કદવા ગેંગના ઈસમોના આતંક મામલે રજૂઆત કરી હતી
સુરતમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે. જાહેરમાં લોકો પર હુમલો કરવો તેમ જ, ઘાતક હથિયારો વડે લોકોને ડરાવવા અને પોતાની ધાક જમાવવા રોફ બતાવી લોકોને હેરાન કરવામાં આવતા હોય છે ત્યારે સુરત પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ અસામાજિક તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ સુરતના ઉમરવાડા ટેનામેન્ટ વિસ્તારમાં કદવા ગેંગના માથાભારે ઈસમો ઉમરવાડા ટેનામેન્ટના રહીશોને અવારનવાર હેરાન કરી રહ્યા છે.
થોડા સમય પહેલા જ ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેનું સરઘસ પણ કાઢ્યું હતું આમ છતાં આરોપીઓ ધાકધમકી આપતા હોવાના આક્ષેપ સાથે ભોગ બનનારના પરિવારજનો અને ટેનામેન્ટના રહીશોએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને તાત્કાલિક આ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે..