Connect Gujarat
Featured

કોટી કોટી વંદન : ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજરોજ 130મી જન્મ જયંતી

કોટી કોટી વંદન : ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજરોજ 130મી જન્મ જયંતી
X

ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજરોજ 130મી જન્મ જયંતી છે, ત્યારે આવો આજે આપણે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરીએ...

ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ વર્ષ 1891ની તા. 14મી એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના મહુ મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકરએ રામજી સક્પાલના 14 સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવ આંબેડકરના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા હતા. જયારે ભીમરાવ 6 વર્ષની ઉમરના થયા, ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું.

ડો. બાબાસાહેબ આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી હતી. ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેઓને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી વર્ષ 1990માં નવાજવામાં આવ્યા હતા.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે વર્ષ 1923માં બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ. આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટીએ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું. વર્ષ 1928ના જૂન માસમાં ડૉ. આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય થયા. આ સમયે "સાયમન કમિશન"ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી. તા. 3 ઓગસ્ટ 1928માં સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ. આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. તા. 23 ઓક્ટોબર વર્ષ 1928ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણા જ પ્રયત્નો કર્યા. તેથી ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું, ત્યારે આજે 130મી જન્મ જયંતી નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકરને કોટી કોટી વંદન...

Next Story