Connect Gujarat
ગુજરાત

બાંગ્લાદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા વડોદરાની પ્રા. શાળાના 16 સ્કાઉટ ગાઇડની કરાઇ પસંદગી

બાંગ્લાદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા વડોદરાની પ્રા. શાળાના 16 સ્કાઉટ ગાઇડની કરાઇ પસંદગી
X

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા 16 સ્કાઉટ ગાઇડ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં પ્રતિનિધિત્વ કરશે. 22 ફેબ્રુઆરી શાળામાં સ્કાઉટ ગાઇડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્કાઉટ ગાઇડ આંતરરાષ્ટ્રીય પ્રવૃતિ છે. જે વિશ્વના 216 દેશોમાં ચાલે છે.



નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શાસનાઅધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કાઉટ ગાઇડમાં શિસ્ત, સેવા, સહકાર, સંપ, ચારિત્ર્ય ઘડતર, સાહસ, સ્વદેશ, પ્રેમ, સંગઠન જેવા ઉચ્ચ ગુણોનું ઘડતર કરી આદર્શ નાગરીક બનાવવાની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. તેમાં સ્વચ્છતા અભિયાન, માર્ચ પાસ્ટ, કુકીંગ, ગેઝેટ્સ, વિવિધ પ્રોજેક્ટ, પ્રાથમિક સારવાર જેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે.

અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષ-2019-20માં સમિતિની 6 શાળાઓ સ્વામી વિવેકાનંદ (બપોર), ડો. સી.વી. રામન (બપોર), મહર્ષી અરવિંદ, ડો. હેડગેવાર, માં ભારતીમાંથી 16 સ્કાઉડ ગાઇડના વિદ્યાર્થીઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે બાંગ્લાદેશ ખાતે આવનાર તા. 14 ફેબ્રુઆરીના રોજ જવા રવાના થશે. બીજો કોમ્યુનિટી બેઝડ કેમ્પ બાંગ્લાદેશ ખાતે તા. 17 ફેબ્રુઆરીથી તા. 22 ફેબ્રુઆરી-2020 દરમ્યાન બાંગ્લાદેશના કોક્ષ બઝારમાં યોજાવાનો છે.

આ કેમ્પનો મુખ્ય હેતુ બાંગ્લાદેશની સ્કાઉટીંગ પ્રવૃત્તીઓને નજીકથી જોવાનો છે. સમગ્ર કાર્યક્રમનું ઉદ્ઘાટન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના કરશે. બધા સ્કાઉટ્સ અને ગાઇડ પાસે કોમ્યુનિટી આધારીત પ્રવૃત્તીઓ કરાવવામાં આવશે. એક દિવસ આ તમામ બાળકોને એજ્યુકેશનલ ટુર અંતર્ગત ત્યાંના મહત્વના ડેસ્ટીનેશનની વિઝીટ કરાવવામાં આવશે.

ઉપાધ્યક્ષ નલિનકુમાર ઠાકરે જણાવ્યું હતું કે, સ્કાઉટનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને એક આદર્શ નાગરીક બનાવવાનો છે. સ્કાઉટીંગ દ્વારા બાળકોને પ્રાથમિક ઉપચાર દિશાઓનું જ્ઞાન, અજાણ્યા પ્રાંતોમાં રહેવા-જમવાનું હોય તો પોતાના માટે ભોજન વ્યવસ્થા કરવી, જંગલમાં રહેવું, ટકવું જેવી જાણકારી આપવાનો છે. બાળકો સાથે સ્કાઉટીંગ ગાઇડ કેપ્ટન તરીકે શિતલ પંડિત જનાર છે, ત્યારે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતી અને વડોદરા માટે આ એક ગૌરવ સમાન પ્રસંગ છે.

Next Story