Connect Gujarat
Featured

અ’મંગળ બુધવાર : રાજ્યમાં અકસ્માતોની “વણઝાર”, અલગ અલગ અકસ્માતોમાં 9 લોકોને કાળ ભરખી ગયો

અ’મંગળ બુધવાર : રાજ્યમાં અકસ્માતોની “વણઝાર”, અલગ અલગ અકસ્માતોમાં 9 લોકોને કાળ ભરખી ગયો
X

આજે રાજ્યભરમાં બુધવારનો દિવસ વાહનચાલકો માટે ગોઝારો સાબિત થયો હતો. અલગ અલગ અકસ્માતોની વણઝાર વચ્ચે 9 વ્યક્તિઓના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે વર્ષ 2020ની વિદાય વેળા અકસ્માત સહિત અન્ય ઘટનાઓમાં મોતને ભેટેલા લોકોના આંકડામાં પણ વધારો નોંધાયો છે.

આંણદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના કણભાઇપુરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જેમાં વહેલી સવારના અરસામાં 35 વર્ષીય રણછોડ ઠાકોર, 25 વર્ષીય ભરત પુંજા અને 30 વર્ષીય રાજુ ઠાકોર સાવલીના મંજુસર નજીક કંપનીમાં નોકરીએ જઈ રહ્યા હતા, તે દરમ્યાન એમપી પાર્સિંગની ટ્રકે બાઇકસવારોને અડફેટે લીધા હતા. જેમાં બાઇક સવાર ત્રણેય યુવાનનું મોત નીપજયું હતું. જેમાં એકજ પરિવારના 2 ભાઇ અને બનેવીના કરુણ મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

તો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામ નજીક નેશનલ હાઇવે પર બાઈક પરથી નીચે પટકાતા 3 યુવાનોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર બનાવની જાણ કરજણ પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવી વધુ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના ગોડાદરા સ્થિત આવેલી હરી દર્શન સોસાયટી પાસે ટ્રેલર ચાલકે એક તબીબને અડફેટે લીધો હતો. સમગ્ર ઘટનામાં આર્યુવેદિક તબીબનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકનું ટોળું એકત્ર થઇ ગયું હતું. જેમાં રોષે ભરાયેલા લોકોએ ટ્રેલરમાં આંગ ચાપી દીધી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાથો તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે, તો બીજી તરફ અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રેલર ચાલકની પણ પોલીસે શોધખોળ આરંભી છે.

તો બીજી તરફ દીવમાં દારૂના નશામાં એક શખ્સ બેફિકરાઈથી કાર ચલાવી રહ્યો હતો. જેમાં નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં કારચાલક કાર લઈને સ્થળ પરથી ફરાર થાય તે પહેલા જ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. લોકોએ તેને માર મારી પોલીસને હવાલે કર્યો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આરોપી કાર ચાલક ચોટીલાનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સબારકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ પાટિયા નજીક પણ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર અને એક બાઇક અકસ્માત સર્જાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જોકે ઓરણ ગામ નજીક 2 કાર અને 1 બાઈકના અકસ્માતની ઘટનામાં કાર ચાલક તેમજ બાઇકસવારનો આબાદ બચાવ થતાં સૌકોઈએ રાહતનો સ્વાશ લીધો હતો, ત્યારે અકસ્માતના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story