નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં આયોજિત સૌ પ્રથમ જન્માષ્ટમી મહોત્સવમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટ્યા
અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં આયોજિત સૌ પ્રથમ જન્માષ્ટમી મહોત્સવમાં એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જન્માષ્ટમી પર્વે યોજાયેલા ભજન સંધ્યા અને ડાયરાના કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું.
વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં જન્માષ્ટમી મહોત્સવનું આયોજન થયું હતું. જન્માષ્ટમી મહોત્સવની વહેલી સવારે હવેલીમાં બિરાજમાન કલ્યાણરાયજી પ્રભુને દૂગ્ધાભિષેક સ્નાનવિધિ તેમજ તિલકવિધિ યોજાઇ હતી.
ગોકુલધામ હવેલીમાં જન્માષ્ટમી પર્વ પ્રસંગે સવારે 10 થી 10.30 તિલક દર્શન-આરતી, સવારે 11.30 થી બપોરે 1 વાગ્યા સુધી રાજભોગ દર્શન-આરતી, સાંજે 5.30 થી 6.30 શયન દર્શન-આરતી, રાત્રે 8.30 થી 11.30 સુધી જાગરણ દર્શન યોજાયા હતા. ત્યારબાદ મધરાતે 12 વાગે જન્મ દર્શનમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને પંચામૃત અભિષેક સ્નાન કરાવાયું હતું. અભિષેક સ્નાન સંપન્ન થતાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ નાચગાન સાથે નંદઘેર આનંદભયો જય કનૈયાલાલ કી..ના જયઘોષ કરી કૃષ્ણ જન્મની વધાઇ આપતાં હવેલી પરિસર ગુંજી ઉઠ્યું હતું.
જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે ગોકુલધામ હવેલીમાં ગાયિકા લાલિત્ય મુનશોની કૃષ્ણ ભક્તિ ભજન સંધ્યા અને અમદાવાદના કલાકાર વિનોદ પટેલનો કૃષ્ણ ભક્તિ વિશે ડાયરાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમોને શ્રદ્ધાળુઓએ આનંદઉલ્લાસપૂર્વક નિહાળ્યો હતો. ગોકુલધામ હવેલીના ચેરમેન અશોક પટેલ, સેક્રેટરી તેજસ પટવા, અગ્રણીઓ બોબી પટેલ, હેતલ શાહ, કિન્તુ શાહે જન્માષ્ટમી પ્રસંગે આયોજિત કાર્યક્રમોની સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી.