Connect Gujarat
ગુજરાત

'' પહેલાં તું મને મારી નાંખ, અને પછી તું મરી જજે'', વડોદરામાં થયેલી પરિણીતાની હત્યા પ્રકરણમાં થયો ખુલાસો

 પહેલાં તું મને મારી નાંખ, અને પછી તું મરી જજે, વડોદરામાં થયેલી પરિણીતાની હત્યા પ્રકરણમાં થયો ખુલાસો
X

વડોદરાના ફેક્ટરી માલિકની પત્નીએ પ્રેમી સાથે મરવાનું કર્યું હતું પ્લાનિંગ

વડોદરા શહેરના તરસાલી-સુશેન રોડ પર આવેલા આનંદબાગ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકની પત્નીના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ફેક્ટરી માલિકની પત્ની કુંજલ પંચાલની હત્યા કર્યા બાદ તેના પ્રેમી મીત ગોરાનાએ પણ રેલવે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. સમાજના ડરથી કુંજલે જ પ્રેમી મીતને જણાવ્યું હતું કે, પહેલાં તું મને મારી નાંખ, અને પછી તું મરી જજે. આ ઘટસ્ફોટ મીતે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ ઉપરથી થયો હતો.

ડી.સી.પી. ક્રાઇમના જયદિપસિંહ જાડેજાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે વડોદરા શહેરના તરસાલી-સુશેન રોડ પર આવેલી આનંદબાગ સોસાયટીમાં રહેતા કુંજલબહેન પ્રતિકભાઇ પંચાલના ગળામાં કોઇ અજાણ્યા વ્યક્તિએ ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે શહેર ક્રાઇમ બ્રાંચ અને મકરપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે તપાસની શરૂઆત મોતને ઘાટ ઉતારાયેલા કુંજલના મોબાઇલ ફોન કોલ અને મેસજની ચકાસણી કરી હતી. જેમાં કુંજલ અને મકરપુરા જીઆઇડીસી રોડ ઉપર આવેલ ગુજરાત હાઇસિંગ બોર્ડના બ્લોક નંબર-1 અને રૂમ નંબર-6માં રહેતા મીત અનિલભાઇ ગોરાના વચ્ચે થયેલ ફોન અને એકબીજાને કરેલા મેસેજ મળી આવ્યા હતા. પોલીસે મીત અંગે તપાસ કરતા મીત કુંજલની ભાભી ખુશ્બુબહેનનો પિતરાઇ ભાઇ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મીતની શોધખોળ શરૂ કરી હતી. જોકે, મીત મળી આવ્યો ન હતો.

દરમિયાન રેલવે પોલીસને મકરપુરા રેલવે યાર્ડમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને મૃતકના ખિસ્સામાંથી પાકીટ મળી આવ્યું હતું. જેમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને સુસાઇડ નોટ મળી આવી હતી. રેલવે પોલીસે તુરંત જ વડોદરા શહેર પોલીસને જાણ કરતા પોલીસ એકશનમાં આવી ગઇ હતી. બીજી બાજુ આ મીતના આપઘાતની જાણ પરિવારજનોને થતાં પિતા અનિલભાઇ ગોરાના નાના પુત્ર ક્રિષ્ણા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. અને મીતની લાશને ઓળખી બતાવી હતી.

ડી.સી.પી. જયદીસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, કુંજલબહેનની સવારે થયેલી હત્યા અને તેજ દિવસે રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને મીત ગોરાનાએ કરેલા આપઘાતનું કોકડું મીત પાસેથી મળી આવેલી સુશ્યાઇટ નોટે ઉકેલી નાંખ્યું હતું. સુસાઇડ નોટમાં જણાવ્યા પ્રમાણે કુંજલ અને મીત એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ ભાગીને લગ્ન કરવાનો પણ પ્લાન બનાવ્યો હતો. પરંતુ બંનેએ નક્કી કર્યું કે, આપણા પ્રેમને સમાજ સ્વિકારશે નહીં. જેથી કુંજલે જણાવ્યું હતું કે, પહેલાં તું મને મારી નાંખ અને પછી તું મરી જજે.

કુંજલ અને મીત વચ્ચે નક્કી થયા બાદ મિત ગોરાના સવારે કુંજલના ઘરે આવ્યો હતો. અને એક કલાક રોકાયો હતો. તે બાદ આયોજન પ્રમાણે મીતે શાક કાપવાની છરીથી કુંજલની હત્યા કરી હતી. અને હત્યા કર્યા બાદ તેને મકરપુરા રેલવે યાર્ડમાં જઇ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આમ શહેર પોલીસે 15 કલાકમાં કુંજલ પંચાલ હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે.

Next Story