Connect Gujarat
વડોદરા 

વડોદરા: શહેરમાં વરસાદ વચ્ચે ભક્તોને બાપાને આપી વિદાય; જાણો કયા વિસ્તારોમાં છે વાહનો માટે પ્રવેશબંધી

વડોદરા: શહેરમાં વરસાદ વચ્ચે ભક્તોને બાપાને આપી વિદાય; જાણો કયા વિસ્તારોમાં છે વાહનો માટે પ્રવેશબંધી
X

વડોદરા શહેરમાં ગણેશોત્સવના અંતિમ દિવસે સવારથી જ ગણેશ વિસર્જન શરૂ થયું છે. આજે સવારથી શહેરમાં વરસાદ શરૂ થયો છે અને વરસાદ વચ્ચે પણ ભક્તોને બાપાને વિદાય આપી રહ્યા છે.

જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા 10 મુખ્યમાર્ગો પર નો પાર્કિંગ ઝોન અને 34 રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભારદારી વાહનો માટે પણ 10 રસ્તાઓ પર પ્રવેશબંધી લાગુ કરવામાં આવી છે. આ જાહેરનામું આજે સવારે 9 કલાકથી ગણેશ વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.

શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે 600 જેટલા મંડળો સહિત ઘરે સ્થાપન કરેલી બાપ્પાની 5 હજાર જેટલી પ્રતિમાઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરશે. જેમાં નવલખી મેદાનમાં 250 નોંધાયેલી પ્રતિમાઓ મળી 1 હજાર જેટલી મૂર્તિનું વિસર્જન થશે. શહેરના 50 જેટલા નાના-મોટા મંડળો તેમજ ઘરે સ્થપાયેલી 10 હજારથી વધુ પ્રતિમાઓનું ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરાશે. પોલીસ દ્વારા પણ લોકોને પોતાની સોસાયટીઓમાં કે ઘરોમાં જ પ્રતિમાઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે.

પોલીસે સવારી સાથે ડીજે વગાડવાની પરવાનગી નથી આપી. તેવામાં મંડળો વિસર્જન પહેલા સોસાયટી કે સ્થળ પર જ ડીજે વગાડશે.જેમાં મંડળના કાર્યકરો સહિત સોસાયટીના રહીશો ગરબે ઘુમી બાપ્પાને ભાવભીની વિદાય આપી રહ્યા છે. મંડળો ત્યાર બાદ વાહનમાં બાપ્પાની મૂર્તિને લઈ જઈ વિસર્જન સ્થળે પહોંચી રહ્યા છે.

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ ઉપરાંત ધાબા પોઈન્ટ પણ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી નવલખી સહિત તમામ કૃત્રિમ તળાવોમાં 5468 મૂર્તિઓનું વિસર્જન થઈ ચુક્યું છે. 10માં દિવસના ગણેશોત્સવના બંદોબસ્તમાં 11 ડીસીપી,22 એસીપી, 3 હજાર પોલીસકર્મીઓ,10 એસઆરપીની કંપનીઓ બંદોબસ્તમાં હાજર રહ્યા છે. 11 ટીમ લાશ્કરોની તૈનાત કરાઇ છે. ઈમરજન્સી લાઈટ, ક્રેઈન, તરાપાની વ્યવસ્થા પણ કરાઈ છે. ગણેશ વિસર્જન રાતે 11 કલાક પહેલા પૂર્ણ કરી દેવાશે. ભાઈજી દરોગાની પોળ, પ્રતાપ મડઘાની પોળ, મનમોહન યુવક મંડળ સહિત 50થી વધુ મંડળો પંડાલ પાસે જ વિસર્જન કરશે.

વાહનો માટે પ્રવેશબંધી: સંગમ ચાર રસ્તાથી માંડવી, ઉમા ચાર રસ્તા થી માંડવી, નવાબજાર સર્કલ થી માંડવી, ચોખંડી થી માંડવી, ભુતડીઝાંપાથી માંડવી, જયરત્ન થી માર્કેટ ચાર રસ્તા

કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ગાંધીનગરગૃહ, પંચમુખી હનુમાનથી જેલ રોડ, અકોટાબ્રિજ ચાર રસ્તા, રાજમહેલ થી મહારાણી નર્સિંગહોમ, કિર્તિસ્તંભ સર્કલ થી મહારાણી નર્સિંગ હોમ, તુલસીધામથી લાલબાગ બ્રિજ, મકરપુરા પોલીસ સ્ટેશનથી લાલબાગ બ્રિજ, ફુલબારી નાકા અને સલાટવાડાથી કોઠી ચાર રસ્તા, સોમા તળાવ ચાર રસ્તાથી ગુરૂકુળ સર્કલ, સમા ટી પોઈન્ટ થી મોટનાથ, શ્રધ્ધા એવન્યુ ચાર રસ્તાથી ગોરવા મંદિર તરફ.

નો - પાર્કિંગ ઝોન: ફતેપુરા ચાર રસ્તાથી ચાંપાનેર - પાણીગેટ- ગેંડીગેટ, લહેરીપુરા દરવાજાથી માંડવી, નાની શાકમાર્કેટ ત્રણ રસ્તા થી ચોખંડી ચાર રસ્તા, લાલકોર્ટ,દાંડીયાબજાર ચાર રસ્તા,મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા સુધી, લહેરીપુરા દરવાજાથી ગાંધીનગરગૃહ-સાધના સિનેમા,ન્યાયમંદીર,માર્કેટ ચાર રસ્તા,કિર્તીસ્તંભ સર્કલ,રાજમહેલ મેઈનગેટ, નવાબજાર સર્કલ, રાવપુરા રોડ, અમદાવાદીપોળ સર્કલ, ટાવર - કોઠી ચાર રસ્તા, રેલ્વે હેડ ક્વાર્ટરથી મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા, પંચમુખી હનુમાન જેલ રોડ,ભીમનાથ નાકા, શ્રેયસ સ્કુલ થી લાલબાગ બ્રિજ ઉપર,મોતીબાગ તોપ,રાજમહેલ મેઈનગેટ, અકોટા બ્રિજ ચાર રસ્તા.

રવિવારે ગણેશ વિસર્જનને પગલે સિટી બસ સેવા એક દિવસ માટે બંધ રાખવામાં આવનાર છે. સિટી બસ સેવા પૂરી પાડતી વિનાયક લોજીસ્ટીકના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યા મુજબ, પોલીસ કમિશનરના જાહેરનામાનાને પગલે એક દિવસ માટે બસ સેવા બંધ રખાશે. સોમવારથી રાબેતા મુજબ શરૂ થશે.

Next Story