Connect Gujarat
વડોદરા 

વડોદરાનો આ "ઝુલતો પુલ" પણ ગમે ત્યારે આપી શકે છે દગો, તંત્ર સત્વરે જાગે તેવી માંગ..!

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પણ સ્માર્ટ સીટી વડોદરામાં લાકડાના બિસ્માર પુલ પર અવરજવર કરી 20થી વધુ પરિવારો જીવના જોખમે પોતાનું ગુજરાન ચલાવે છે,

X

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પણ સ્માર્ટ સીટી વડોદરામાં લાકડાના બિસ્માર પુલ પર અવરજવર કરી 20થી વધુ પરિવારો જીવના જોખમે પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે આવી ભયજનક સ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા તેમજ રાજ્ય સરકાર દ્વારા મજબુત પુલ બાંધી આપવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.

મોરબી ઝુલતા પુલની ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશને ચોંકાવી દીધા છે. આ ઘટનાથી રાજ્યમાં અનેક જગ્યાએ આવેલા પુલની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. અમદાવાદમાં આવેલ અટલ બ્રિજમાં લોકોની ક્ષમતા મુજબ જ પરમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે, ત્યારે વડોદરામાં પણ બે ઝુલતા પુલ આવેલા છે. જેમાં એક ઝુલતો પુલ એવો છે કે, જે નથી પાલિકાએ કે, પછી નથી સરકારે બનાવ્યો. પરંતુ અહીના સ્થાનિકોએ સ્વેચ્છાએ આ પુલ બનાવ્યો છે. શહેરના કૃષ્ણનગરના લોકોએ વિશ્વામિત્રી નદીની ખાડી પર ઝુલતો પુલ બનાવ્યો છે. વિશ્વામિત્રીના નાળા પર આ પુલ ઉભો કરવામાં આવ્યો છે. આસપાસ વસ્તુઓ લાવીને અને ભંગારની વસ્તુઓ ભેગી કરીને આ પુલને બનાવવામાં આવ્યો છે. નાગરવાડા વિસ્તારમાં બનાવેલો આ પુલ, જ્યારે પણ વિશ્વામિત્રીમાં પાણી આવે ત્યારે પાણીમાં ગરકાવ થઇ જાય છે, ત્યારે કૃષ્ણનગરમાં આવેલા 30 જેટલા ઘર સંપર્ક વિહોણા થઇ જાય છે. આ અંગે સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે. પરંતુ તંત્રના આંખા આડા કાન હોવાના કારણે લોકોને જાતે જ પુલ બનાવવાની ફરજ પડી હતી.

આ મામલે સામાજિક કાર્યક્રર અતુલ ગામેચીએ ચિંતા વ્યક્ત કરી હતી, અને પાલિકા સત્તાધીશોને અહીં રહેતા લોકોની સુવિધા પૂરી પાડવા માટે આહવાન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, આ વિસ્તારના નગરસેવકે પહેલા વિચારવુ જોઇએ, જ્યારે નેતાઓ ચૂંટણી સમયે મતની ભીખ માંગવા આવે છે, ત્યારે પણ નેતાઓને આ સમસ્યા દેખાતી નથી. સત્તાધીશોએ અહીંના લોકો માટે મજબૂત બ્રીજ બનાવી આપવો જોઇએ, અથવા તો કંઇ વ્યવસ્થા કરી આપવી જોઇએ. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, કૃષ્ણનગરના રહીશોની આ સમસ્યા માટે મેયરને પણ રજૂઆત કરવામાં આવશે. અને જો કોઇ નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

Next Story