પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં આજે કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના વરદહસ્તે ઘોઘંબા તાલુકાના સખી મંડળોની ૧૩૬ જેટલી લાભાર્થી બહેનોને સ્ટાર્ટ-અપ ગ્રામીણ ઉદ્યમિતા કાર્યક્રમ અંતર્ગત અંદાજે ૩૨ લાખની લોન સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પંચાયતમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે ૧ ટકા જેટલા નીચા વ્યાજદરે અપાયેલ રૂ.૧ લાખ સુધીની આ લોન સહાય તાલુકાના લાભાર્થી મહિલાઓને પોતાના સ્વરોજગારને વિસ્તૃત કરવામાં અને તે રીતે આર્થિક ઉપાર્જન વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મહિલાઓ આર્થિક મોરચે પગભર બને, સધ્ધર બને અને તે રીતે સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ પ્રકારની વિવિધ સહાય યોજનાઓ દ્વારા સરકારે બહેનોના હાથમાં સીધા આર્થિક અધિકારો આપ્યા છે. આ પ્રકારની લોન સહાયથી સ્વરોજગાર ના વિવિધ પ્રકારોમાં વિકાસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રે સ્વરોજગાર ક્ષેત્રનું સશકિતકરણ જ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકાય. મંત્રીએ લાભાર્થીઓને સહાય માટે અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારી વધે, આર્થિક ઉપાર્જનમાં મહિલાઓનો હિસ્સો ઉત્તરોત્તર વધે તે પ્રકારે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા ૨૫ વર્ષમાં સરકાર દ્વારા ઘોઘંબા સહિતના ગ્રામીણ વિસ્તારમાં પાકા રસ્તા, ૨૪ કલાક વિજળી અને પાણીની સુવિધાઓ સહિતના આંતર માળખાકીય સુવિધાઓ વધારવા માટે થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસને સમાન પ્રાધાન્ય આપ્યું છે. લોકડાઉન દરમિયાન ૮ મહિના વિનામૂલ્યે અનાજ વિતરણ, પીએમ કિસાન સહિતની યોજનાઓ વિશે વાત કરતા ઉમેર્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્તમાન સરકાર ખેડૂતો, મહિલાઓ તેમજ વંચિત વર્ગો માટે સતત ચિંતિત અને કાર્યશીલ રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી અર્જુન સિંહ બી. રાઠોડે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટ-અપ વિલેજ એન્ટર પ્રિન્યોરશીપ પ્રોગ્રામ (SVEP) અંતર્ગત સખીમંડળોને આ લોન સહાય આપવામાં આવી છે જેથી ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃતિઓને વેગ મળે. ગુજરાતના ત્રણ તાલુકાઓ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા, અમરેલીના ખાંભા અને દાહોદના ગરબાડા તાલુકામાં આ સહાય યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ લોન સહાય થકી સખી મંડળની બહેનોને લઘુ ઉદ્યોગ-કુટિર ઉદ્યોગ, સિલાઈકામ, કાપ઼ડ, કટલરી-કરિયાણા, શાકભાજી ની દુકાન, ચા-નાસ્તાની દુકાન, ફ્લોર મિલ પ્રકારના ધંધા-રોજગાર શરૂ કરવામાં જરૂરી નાણાંકીય મદદ અને માર્ગદર્શન મળી રહેશે જે અંતે બહેનોને આર્થિક મોરચે આગળ લાવવામાં નિર્ણાયક નીવડશે. આ અગાઉ તાલુકા પંચાયત ઉપપ્રમુખ છેલુભાઈ રાઠવાએ પણ પ્રાસંગિક સંબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં ડીઆરડીએ ડાયરેક્ટર એસ.ડી. તબીયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.ડી.રાઠવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ વિસ્તારના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટાર્ટ અપ વિલેજ એન્ટર પ્રિન્યોરશીપ પ્રોગ્રામ (SVEP)
સ્ટાર્ટ-અપ વિલેજ એન્ટરપ્રિન્યોરશીપ પ્રોગ્રામ (એસવીઈપી) અંતર્ગત સખીમંડળમાં જોડાયેલા બહેનો અને એમના કુટુંબના સભ્યોને ગ્રામીણ સ્તરે નાના ઉદ્યોગો શરૂ કરવા માટે વ્યક્તિગત પ્રવૃતિ માટે રૂ. ૫૦,૦૦૦/- સુધી અને જૂથ પ્રવૃતિ માટે રૂ.૧,૦૦,૦૦૦/- સુધી ૧ ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવે છે અને તે સાથે જરૂરી વ્યવસાયિક માર્ગદર્શન માટે સ્થાનિક સમુદાયમાંથી સીઆરપી પસંદ કરવામાં આવે છે અને તેમના મારફતે કામગીરીનું આયોજન કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત અપાતા નાણાંકીય લાભોથી ગ્રામીણ વિસ્તારોના પછાત વર્ગ, મહિલાઓ અને એસસી-એસટી સમુદાયોને આર્થિક ઉન્નતિનો લાભ મળે, જે મજબૂત સામાજિક, આર્થિક પરિવર્તન તરફ દોરી જાય. તે જ રીતે સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને અને સ્થળાંતરમાં ઘટાડો થાય. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ૧૧૮૫ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૩૦૩.૪૨ લાખની લોન આપવામાં આવી છે અને ચાલુ વર્ષના અંત સુધી ૨૩૬૮ ઉદ્યોગ સાહસિકોને સદર યોજના અંતર્ગત લોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.