વડોદરા:જુગાર ધામ પર નકલી પોલીસની રેડ, પોતાને બચાવવા જુગારી નદીમાં કુદ્યો અને મળ્યું મોત
નકલી પોલીસ બનીને આવેલા ઇસમોએ રેડ કરી હતી અને સ્થળ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રેડ બાદ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી.

વડોદરા નજીક ધમધમતા જુગારધામ પર ગતરોજ નકલી પોલીસ બનીને આવેલા ઇસમોએ રેડ કરી હતી અને સ્થળ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રેડ બાદ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી. જીવ બચાવવા ભાગેલ જુગારી નદીમાં તણાતા તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે ડેસર પોલીસ મથકમાં બે ઇસમો સામે ફરિયાદ નોંધાઇ છે.ડેસર પોલીસ મથકમાં ઇરફાનઅલીએ (ઉં. 32) (રહે. વચ્છેસર, ડેસર) (ધંધો-ખેતી) નોંધાવેલી ફરિયાદ અનુસાર, 7 ઓગ્સ્ટના રોજ તે અને તેનો મિત્ર લક્ષ્મી પેટ્રોલ પંપની પાછળ ચાલતા ડામરના પ્લાન્ટ નજીક કુણ નદિ કિનારે ગયા હતા.
ત્યાં જુગાર ચાલતો હતો. અહિં પરિચીત અયાનમહંમદ મકરાણી પણ ત્યાં હતો. તેની સાથે અન્ય પરિચીત તથા અજાણ્યા મળી 8 જેટલા લોકો ત્યાં હાજર હતા. દરમિયાન બપોરે અઢી વાગ્યે બાઇક પર બે ઇસમો આવ્યા હતા. જેમાંથી બાઇક ચલાવનાર નવઘણ કાળુભાઇ ભરવાડ અને તેની પાછળ કોઇ વ્યક્તિ બેઠી હતી. સ્થળ પર પહોંચી નવઘણ ભરવાડે કહ્યું કે, અમે પોલીસ છીએ, તમારી પર રેડ કરી પકડવાના છે.વધુમાં ફરિયાદ અનુસાર, જે બાદ તમામ ભાગ્યા હતા. બાઇક ચાલકે અયાનઅહંમદ તથા અન્ય પાછળ બાઇક દોડાવ્યું હતું.
ત્રણેય નદીના પટમાં આવેલા ઉંડા પાણીના પ્રવાહમાં પડ્યા હતા. આ બાદ બાઇક સવાર ત્યાંથી નાસી છુટ્યા હતા. નદીના પ્રવાહમાં પડેલા તમામ પૈકી અયાનમહંમદ બહાર આવી શક્યો ન હતો. આ વાતની જાણ સરપંચને થતા ફાયર બ્રિગેડ મારફતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે અયાનમહંમદ ઇમ્ત્યાઝમહંમહ મકરાણીમો મૃતદેહ મળી આવ્યો હતો.સમગ્ર મામલે ડેસર પોલીસ મથકમાં નવઘણભાઇ કાળુભાઇ ભરવાડ (રહે. વચ્છેસર, ડેસર) તથા અન્ય એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.