વડોદરા: રેસકોર્સ MGVCLમાં પૂર્વ દિવ્યાંગ કર્મચારીનો નગ્ન અવસ્થામાં વિરોધ,કંપનીએ વેતન અટકાવી નોકરીમાંથી છૂટા કર્યાના આક્ષેપ

હેમંત ગાંધીએ જણાવ્યું હતું કે, મારો કોઈ વાંક ગુનો ન હતો. છતાં પણ મારો પગાર અટકાવી દેવામાં આવ્યો અને નોકરીમાંથી અચાનક જ છૂટો કરી દેવામાં આવ્યો

New Update

વડોદરા શહેરના રેસકોર્સ સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપનીના મુખ્ય દરવાજા પાસે આજે પૂર્વ કર્મચારી દ્વારા નગ્ન હાલતમાં ઉભા રહી વિરોધ પ્રદર્શન કરતા હોબાળો મચ્યો હતો. એમજીવીસીએલમાં ફરજ બજાવતા હેમંત ગાંધી નામના દિવ્યાંગ કર્મચારીને વર્ષ 2016 થી હેરાન કરવામાં આવી રહ્યા હતા. જેને કારણે તેઓ અવારનવાર પોલીસમાં ફરિયાદ તો પણ આપી હતી. છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નહી. એટલું જ નહીં જાન્યુઆરી 2019 થી તેઓનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો હતો.

Advertisment

જેને ધ્યાનમાં રાખીને કર્મચારીએ એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો પણ કરી હતી. એમજીવીસીએલના એક આઈએએસ અધિકારી સમક્ષ તેમણે ઇચ્છામૃત્યુની પણ માંગણી કરી હતી ત્યારે આ અધિકારીએ કર્મચારીને બચાવવાની વાત કરવાને બદલે આકરો જવાબ આપ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેથી આજે એમજીવીસીએલની મુખ્ય કચેરી પાસે નગ્ન હાલતમાં ઉભા રહી તેમણે વિરોધ શરૂ કર્યો હતો. અને પોતાને ન્યાય મળે તે માટેની માગણી કરી હતી .હેમંત ગાંધીએ જણાવ્યું હતું કે, મારો કોઈ વાંક ગુનો ન હતો. છતાં પણ મારો પગાર અટકાવી દેવામાં આવ્યો અને નોકરીમાંથી અચાનક જ છૂટો કરી દેવામાં આવ્યો હતો. જો મને ન્યાય નહીં મળે તો હું રોજ આ જ રીતે નગ્ન હાલતમાં આવીને ઉભો રહીને વિરોધ કરીશ.

Advertisment