Connect Gujarat
વડોદરા 

વડોદરા: છાણી વિસ્તારમાં બની કરૂણ ઘટના; CNG રીક્ષામાં આગ લાગતા એક વ્યક્તિ ભડથું

છાણી ગુરૂદ્વારા સામે આવેલા મોહન મોટર ગેરેજ નજીક એક સીએનજી રીક્ષામાં આગ લાગી

વડોદરા: છાણી વિસ્તારમાં બની કરૂણ ઘટના; CNG રીક્ષામાં આગ લાગતા એક વ્યક્તિ ભડથું
X

દિવાળી તહેવારને લઇ લોકોમાં ખુશીનો માહોલ છે, ત્યારે બીજી તરફ છાણી વિસ્તારમાં એક કરૂણ ઘટના બની છે. જ્યાં એક સીએનજી રીક્ષામાં આગ લાગતા ભડકે બળી હતી. જોત જોતામાં આખી રીક્ષા આગની ઝપેટમાં આવી જતા એક વ્યક્તિ પણ બળીને ખાક થઇ ગઇ હતી. બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લશ્કરોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રીક્ષા નીચે દબાયેલી વ્યક્તિનો જીવ બચી શક્યો ન હતો.

આ અંગે છાણી ફાયર સ્ટેશનના સબ ઓફિસર કિરણ બારીયાએ જણાવ્યું હતુ કે, સાંજના 5-20 વાગે અમને કોલ મળ્યો હતો કે, છાણી ગુરૂદ્વારા સામે આવેલા મોહન મોટર ગેરેજ નજીક એક સીએનજી રીક્ષામાં આગ લાગીછે, જેથી અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યાં પાણીનો મારો ચલાવી રીક્ષામાં લાગેલી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

તેઓએ વધુમાં જણાવ્યું કે, આ કામગીરી દરમિયાન સ્થાનિકોએ જણાવ્યું કે, રીક્ષા નિચે એક વ્યક્તિ પણ દબાયેલી છે. રીક્ષામાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેતા તપાસ કરતા એક વ્યક્તિ ગંભીર રીતે દઝાયેલી હાલતમાં જોવા મળી હતી. આ દરમિયાન 108 એમ્બ્યૂલન્સ પણ સ્થળ પર આવી પહોંચી હતી. ગંભીર રીતે દઝાયેલી વ્યક્તિની 108ની ટીમે તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મોહન મોટર ગેરેજમાં રીક્ષા રિપેરીંગનુ કામ ચાલી રહ્યું હતું અને કારીગીર રીક્ષા રીપેર કરી રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી વ્યક્તિની ઓળખ પ્રક્રિયા હાલ ચાલુ છે.

Next Story