Connect Gujarat
Featured

વલસાડ : નગરજનોની સુખાકારી માટે કોઇ કચાશ રહી ન જાય તે હેતુથી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ સમીક્ષા બેઠક

વલસાડ : નગરજનોની સુખાકારી માટે કોઇ કચાશ રહી ન જાય તે હેતુથી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ સમીક્ષા બેઠક
X

વલસાડ શહેરના નગરજનોની સુખાકારી માટે કોઇ કચાશ રહી ન જાય તેમ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર આર.આર.રાવલની અધક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમ્યાન જિલ્લામાં થઇ રહેલી કામગીરીમાં ચોકસાઇ અને ચાલી રહેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે સૂચન કરાયું હતું. ઉપરાંત તિથલ રોડની કામગીરી ઝડપથી થાય સાથે અન્‍ય વિભાગને લગતી કામગીરી સંકલનમાં રહી પૂર્ણ કરવા, રસ્‍તાની આજુબાજુ પાર્કિંગ માટે ઉપયોગમાં લઇ શકાય તેવી જગ્‍યા નકકી કરવા જણાવ્‍યું હતું. નગરપાલિકા વિસ્‍તારમાં ગેરકાયદેસર બિલ્‍ડીંગો, શરતભંગના કેસોની તપાસ કરી નિયમોનુસારની કાર્યવાહી કરવા, ગ્રામ પંચાયત વિસ્‍તારોમાં ગેરકાયદેસરના દબાણો અંગે સર્વે કરી કાર્યવાહી કરવા, વલસાડ નગરપાલિકા વિસ્‍તારના રામવાડી અને નગરપાલિકા વિસ્‍તાર નજીકના દબાણો હટાવવા, આર.પી.એફ. રોડ ઉપરના રોડની સાઇડના દબાણો દુર કરવા અમલીકરણ અધિકારીઓને સ્‍પષ્‍ટ સુચના આપી હતી. વલસાડ રેલ્‍વે સ્‍ટેશનથી વન-વે માટેની જરૂરી દરખાસ્‍ત તાત્‍કાલિક તૈયાર કરી રજૂ કરવા જણાવ્‍યું હતું. આ ઉપરાંત ફોરેસ્‍ટની જગ્‍યા ઉપર દબાણ હોય તો તેની વિગતો એકત્ર કરવા પણ જણાવ્‍યું હતું. આ અવસરે માર્ગ સલામતી સપ્તાહ અન્‍વયે રોડ સેફટી અંગે ચર્ચા કરવા માટે બેઠક પણ મળી હતી. જિલ્લામાં બ્‍લેક સ્‍પોટને ધ્‍યાને રાખી અકસ્‍માત અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ હાઇવે ઓથોરીટી, આરટીઓ દ્વારા સંયુકત રીતે સ્‍થળ નિરીક્ષણ કરી કરવાની થતી કામગીરી કરવા જણાવાયું હતું.

આ અવસરે ડૉ. ભૈરવી જોશીએ સાયકલિંગ અંગેની જાગૃતિ માટે જરૂરી પ્રેઝેન્‍ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ વિશેષ હાજર રહયા હતા.

Next Story