Connect Gujarat
દુનિયા

બ્રિટનમાં વરસાદથી તબાહી,હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ

ઈંગ્લેન્ડમાં સતત બીજા દિવસે વરસાદના કારણે પૂરની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. રસ્તા પરથી ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

બ્રિટનમાં વરસાદથી તબાહી,હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ
X

ઈંગ્લેન્ડમાં સતત બીજા દિવસે વરસાદના કારણે પૂરની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. રસ્તા પરથી ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડા માટે બ્રિટનનાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ગર્જના અને ભારે વરસાદને કારણે શહેરોમાં વાહનવ્યવહારને અસર થવાની સાથે સંભવિત પાવર આઉટ થવાની ચેતવણી આપી છે.

હવામાન વિભાગે બુધવારે પણ ભારે આંધી, વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપી છે. દક્ષિણ ઈંગ્લેન્ડમાં સ્થિતિ વધુ ખરાબ હોવાનું કહેવાય છે. અહીં પૂરના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે અને અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી શકે છે. તેમજ પૂરના પાણીના ઝડપી પ્રવાહને કારણે જાન-માલને ખતરો ઉભો થવાની સંભાવના છે. પર્યાવરણ એજન્સીએ મિડલેન્ડ્સ અને દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડના 19 વિસ્તારો માટે પૂરની ચેતવણી જારી કરી છે.

ભારે વરસાદ બાદ પૂરથી પ્રભાવિત દક્ષિણ ઈંગ્લેન્ડ અને વેલ્સના શહેરો મુશળધાર વરસાદ અને પૂરના પાણી જોઈ રહ્યા છે. વરસાદ અને પૂરને કારણે કોર્નવોલમાં ન્યુક્વે, ડેવોનમાં બિશપ ટાઉટન, વેસ્ટ સસેક્સમાં હેવર્ડ હીથ, દક્ષિણ-પશ્ચિમ વેલ્સમાં પોર્ટ ટેલ્બોટ અને ડોર્સેટમાં બ્રિજપોર્ટને પણ અસર થઈ હતી. સ્કોટલેન્ડમાં ભારે વરસાદ બાદ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે.

જણાવી દઈએ કે ગત સપ્તાહ સુધી બ્રિટનના ઘણા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ હતી. કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. ઈંગ્લેન્ડના ભાગો જંગલની આગ સામે લડી રહ્યા હતા. યોર્કશાયર, દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ઈંગ્લેન્ડના ભાગો અને પૂર્વ ઈંગ્લેન્ડના ભાગોને ગરમીના કારણે સત્તાવાર રીતે સૂકા જાહેર કરવામાં આવ્યા છે. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ પૂરના કારણે નવું સંકટ સર્જાયું હતું.

આગામી દિવસોમાં બ્રિટનમાં વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે બુધવારે દક્ષિણ ઇંગ્લેન્ડ અને પૂર્વ એંગ્લિયા માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.

Next Story