/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-52.jpg)
અંકલેશ્વર ONGC LAQ ઓફિસ પાસે એક વૃધ્ધ ખેડૂતે આત્મવિલોપનની કોશિશ કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી, અને ગંભીર રીતે દાઝેલા વૃધ્ધને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર વડોદરા જીલ્લાના પાદરા તાલુકાનાં બજાતણ ગામના રૂપસંગભાઈ આશરે ઉ.વ.70ના ઓ અંકલેશ્વર ONGC ખાતે આવ્યા હતા, અને તેઓની જમીનનાં લેવાનાં નીકળતા રૂપિયાનો ચેક ONGC દ્વારા અન્યને પધરાવી દેતા તેનાં નિરાકરણ અર્થે ધક્કા ખાઈને ત્રાસી ગયા હતા, અને આજરોજ પણ તેઓ પોતાની સમસ્યા હલ ન થતા રૂપસંગભાઈએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી, અને રૂપસંગભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, અને પ્રાથમિક સારવાર બાદ તેઓને ગંભીર હાલતમાં વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગે ONGCનાં અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવતા તેઓનો કોઈ સંપર્ક થઇ શક્યો નહોતો.
જોકે ONGC અસરગ્રસ્ત સેવા મંડળના પ્રમુખ પ્રદ્યુમન આઈ.પટેલે જણાવ્યું હતુ કે રૂપસંગભાઇનાં ONGC પાસેથી લેવાનાં નીકળતા રૂપિયા કોઈક અન્ય વ્યક્તિને કંપનીએ ચેક આપી દીધો હતો, અને જે અંગેની લડત બાદ પણ તેઓને કોઈજ સહાય ન મળતા આખરે રૂપસંગભાઈએ આત્મવિલોપન સુધીનું પગલું ભર્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
ચકચાર જગાવનાર ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.