ભરૂચ 108નાં ઇમરજન્સી સેવાની ટીમની સેવા રંગ લાવી, બસમાં સવાર મહિલાની સફળ પ્રસુતિ કરાવી

New Update
ભરૂચ 108નાં ઇમરજન્સી સેવાની ટીમની સેવા રંગ લાવી, બસમાં સવાર મહિલાની સફળ પ્રસુતિ કરાવી

ભરૂચ જિલ્લાનાં પાલેજ હદની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનાં કર્મચારીઓની કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યુ છે, બસમાં મુસાફરી કરતી મહિલા કે જે પ્રસવ પીડા થી કણસતી હતી, તેની સફળ ડિલિવરી 108ની ટીમે કરાવી હતી.

મુળ મધ્યપ્રદેશનાં રહેવાસી અને હાલ સુરત રહી મજૂરી કરતા વૈશાબેન હીરાલાલ માહિડા ઉમર 25નાં ઓ સુરત થી ખાનગી બસમાં પોતાના વતન મધ્યપ્રદેશમાં જતા હતા.બસ રસ્તામાં પાલેજ કરજણની વચ્ચે રામદેવ હોટલ પર ઉભી રહી હતી. ત્યારે વૈશાબેન જે સગર્ભા હતા તેમને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા ત્યાં ઉભેલા લોકો માંથી કોઈ એ તરત 108ને ફોન કરતા ભરૂચનાં પાલેજ લોકેશનની એમ્બ્યુલન્સનાં પાઇલોટ ઈમ્તિયાઝભાઈ તથા મેડિકલ ટેક્નિશ્યન અક્ષયભાઈ તાબડતોડ 108 એમ્બ્યુલન્સ લઈ રામદેવ હોટલ પહોંચ્યા હતા.

108ની ટીમ દ્વારા સગર્ભા વૈશાબેનની તપાસ કરતા પ્રસુતિ થવાની તૈયારીમાં હતી.અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રસુતિ થઈ જાય તેવી વિકટ પરિસ્થિતિ હતી. 108ની ટીમ દ્વારા તરત જ એમ્બ્યુલન્સમાં વૈશાબેનને લઈને એમ્બ્યુલન્સ માં જ પ્રસુતિ કરાવાનું નક્કી કર્યુ હતુ.

108નાં મેડિકલ ટેક્નિશ્યન અક્ષયભાઈ દ્વારા જીવીકે 108ની અમદાવાદમાં આવેલ હેડ ઓફિસમાં હાજર ડોકટરનો સંપર્ક કરી પ્રસુતિ કરાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યુ હતુ.

આ કેસમાં નોંધવા જેવી વાત એ હતી કે માતાનાં પેટમાં રહેલા બાળકનાં ગાળામાં નાળ વિટાય ગઈ હતી.અને વિટાયેલી નાળની સાથે એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવું અશક્ય હતુ.પણ બીજો કોઈ રસ્તો પણ ન હોવાથી 108નાં હેડ ઓફિસમાં હાજર ડોક્ટરની સલાહ મુજબ સફળ રીતે પ્રસુતિ કરાવી 108ની ટીમએ માતા અને બાળક બંનેનાં જીવ બચાવ્યા હતા.

આ રીતે પ્રસુતિ પછી માતા અને બાળક બંને સ્વસ્થ હોવાથી પરિવારજનો એ 108નાં પાઇલોટ ઈમ્તિયાઝ દુધવાલ અને મેડિકલ ટેક્નિશ્યન અક્ષય ઝાલાનો ખુશીનાં આંસુઓ સાથે આભાર માન્યો હતો.