ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

New Update
ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ભરૂચ-અંકલેશ્વરમાં શાળાઓમાં રજા જાહેર, નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ

ભરૂચ જિલ્લામાં મોડી રાતથી ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભરૂચ શહેરનાં ફૂરજા વિસ્તાર, ઘાંસમંડાઈ, પારસીવાડ, વાલ્મિકી વાડ અને સોસાયટીમાં પાણી ભરાયા હતા. માતરીયા તળાવ નજીકની ઝૂંપડપટ્ટીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. તો વેજલપુર વિસ્તારમાં તાડનું વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ જેટલાં ઝૂંપડા દબાયા હતા. જોકે સદનશીબે કોઈ જાનહાની નોંધાયી નથી. ભરૂચનાં ધારાસભ્યએ કેટલાંક વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અંકલેશ્વરમાં 1.5 ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણનો ભરાવો થતાં નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ભરૂચ તરફ જતો રસ્તો, નિરાંતનગર, સુરવાડી ફાટક રોડ, રઘુવીર નગર, બોરભાઠા રોડ, રામનગર સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માર્ગો ઉપર પાણી ફરી વળતાં વાહનચાલકો અટવાયા હતા. શહેરનાં ક્ષીપ્રા ગણેશ વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે સરફુદ્દિનને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જલધારા ચોકડી પાસે એક રીક્ષા ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે રિક્ષામાં કોઈ ન હોવાથી જાનહાની નોંધાયી નથી.

હાંસોટ તાલુકાના ઈલાવ નજીકથી પસાર થતી કીમ નદીમાં નવા નીર આવતાં લોકો જોવા માટે ઉમટ્યા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધતાં કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. વરસાદી માહોલને પગલે અંકલેશ્વર-હાંસોટના નીચાણવાળા વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.

વાલિયા તાલુકાનામાં 1.5 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓમાં પાણી ભરાયા હતા. જ્યારે નેત્રંગ તાલુકામાં આવેલી ખાડીઓમાં પાણીની આવક થઈ હતી. જ્યારે પીંગોટ અને ધોલી ડેમમાં પણ નવા પાણી ભરાયા હતા. રાજપારડીથી - ઉમલ્લા વચ્ચેના માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો. આમોદ તાલુકામાં વરસેલા વરસાદે શહેર સહિત પંથકમા જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ઈખર અને વાસણા ગામે રસ્તાઓ ઉપર પાણી ફરી વળતાં લોકો અટવાયા હતા. તો કેટલાંક ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને ખેતરમાં જવું મુશ્કેલ બની ગયું હતું.

વાગરાના અખોડ ગામથી નાંદરખાં ગામને જોડતા માર્ગ ઉપર આવેલું નાળું વરસાદી પાણીના કારણે બેસી ગયું હતું. વહેલી સવારે નાળું જમીનમાં ગરક થતા નાદરખાં સહિતના અનેક ગામનો સંપર્ક તૂટ્યો હતો. આ અંગે સરપંચ અને તલાટીએ તંત્રને જાણ કરતા જિલ્લા પંચાયતના માર્ગ વિભાગના અધિકારી સ્થળ ઉપર દોડી ગયા હતા. સદર માર્ગ જલ્દીથી વિધિવત ચાલુ થાય એ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

ભરૂચનાં ધારાસભ્ય દુષ્યુંત પટેલે નંદેલાવ, શેરપુરા જેવા નીચાણવાળા વિસ્તારનાં ગામોની મુલાકાત લીધી છે. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા યોગ્ય અને જરૂરિયાત મુજબ સહાય મળે તેમ કામગીરી હાથ ધરી છે. તંત્ર તાલુકાના તમામ ગામોનાં સરપંચ-તલાટીઓ સાથે સંપર્કમાં છે. જેથી યોગ્ય સમયે વહેલી તકે સહાય પહોંચાડી શકાય.

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

આમોદ 14 મી.મી.

અંકલેશ્વર 1.5 ઇંચ

ભરૂચ 3 ઇંચ

હાંસોટ 3.5 ઇંચ

જંબુસર 1 ઇંચ

નેત્રંગ 12 મી.મી.

વાગરા 1 ઇંચ

વાલિયા 2 ઇંચ

ઝઘડિયા 2 મી.મી.

Latest Stories