ભારતીય ફૂટબોલ ટીમ ૧૯૫૦માં એશિયાની સૌથી મજબૂત ટીમ હતી

New Update
ભારતીય ફૂટબોલ ટીમ ૧૯૫૦માં એશિયાની સૌથી મજબૂત ટીમ હતી

૧૯૫૧ના એશિયન ગેમમાં ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો

છેલ્લા ૪૦ વર્ષ દરમિયાન ક્રિકેટની તુલનામાં ફૂટબોલ ઘણું પાછળ

હાલમાં રશિયા ખાતે યોજાયેલા ફિફા વિશ્વકપના કારણે ફૂટબોલ ચાહકોમાં ઉત્સાહ ,ઉન્માદ અને ઝનૂન જોવા મળે છે. ૧ અબજ ૨૫ કરોડની વસ્તી ધરાવતા ભારત દેશની ફૂટબોલ ટીમ પણ વિશ્વકપ રમતી હોય એવું ફૂટબોલપ્રેમીઓ ઇચ્છે છે. ૧૯૫૦ થી ૧૯૬૦નો દાયકો ભારતીય ફૂટબોલનો સુવર્ણકાળ ગણાય છે.

૧૯૫૦ના દાયકામાં ભારતની ફૂટબોલ ટીમ એશિયાની સૌથી મજબૂત ટીમ ગણાતી હતી. દુનિયાના અનેક દેશોમાંથી ફૂટબોલ રમવા આમંત્રણ મળતું પરંતુ નાણાના અભાવે ખેલાડીઓ બહાર જવા અસમર્થ હતા. એ સમયે સૈલેન મન્ના, પ્રમોદકુમાર બેનરજી, પીટર થંગરાજ, જરનેલસિંહ ઢિલ્લો જેવા અનેક ધૂરંધર ખેલાડી હતા.ભારતીય ફૂટબોલના ગોલ્ડન સમયની વાત નિકળે ત્યારે સૈલેન મન્ના( સૈલેન્દ્રનાથ મન્ના)નું નામ પણ ખૂબજ આદરથી લેવાય છે.

૧૯૫૧માં સૈલેન મન્નાના નેતૃત્વમાં ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ સ્વતંત્ર ભારતમાં ફૂટબોલ ક્ષેત્રે એક નવો અધ્યાય લખાયો હતો. ૧૯૫૨ થી ૧૯૫૫ સુધી સતત ચાર વર્ષ પાકિસ્તાન, બર્મા, શ્રીલંકા વચ્ચે ફૂટબોલ સીરીઝ રમાઇ જેમાં કેપ્ટન મન્નાએ જીતની હેટ્રિક લગાવી હતી. ૧૯૫૩માં ઇગ્લિશ ફૂટબોલ એસોસિએશને મન્નાને વિશ્વના ૧૦ શ્રેષ્ઠ ફૂટબોલ કેપ્ટનમાં સ્થાન આપ્યું હતું.૧૯૬૨માં પણ ભારતની ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એ સમયે ભારતની ફૂટબોલ ટીમ વિવિધ પ્રકારની સુવિધાના અભાવ વચ્ચે ખુમારીથી મેચ જીતતી હતી. સૈલેન મન્નાની જેમ મોટા ભાગના ખેલાડીઓ શોખ હોવાથી ગાંઠના ખર્ચે ફૂટબોલનો શોખ કેળવીને તૈયાર થયા હતા. ૧૯૭૦ના દાયકા પછી ભારતની ફૂટબોલ ટીમનું સ્તર કથડવા લાગ્યું હતું.જયારે છેલ્લા ૪૦ વર્ષ દરમિયાન ક્રિકેટની તુલનામાં ફૂટબોલ ઘણું પાછળ રહી ગયું છે.

Latest Stories