ભાવનગર : સતત 8 કલાક સુધી 4 ફૂટ ઊંડા પાણીમાં રહી પી.જી.વી.સી.એલ દ્વારા વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો 

New Update
ભાવનગર : સતત 8 કલાક સુધી 4 ફૂટ ઊંડા પાણીમાં રહી પી.જી.વી.સી.એલ દ્વારા વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો 

ભાવનગર તાલુકામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.તેમજ અનેક ગામોમાં અંધારપટ છવાયો હતો. આથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે પી.જી.વી.સી.એલની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી સતત 8 કલાક સુધી 4 ફૂટ સુધીનાં ઊંડા પાણીમાં ઉભા રહી સમગ્ર વિસ્તારમાં ફરીથી વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો હતો.

આ સંદર્ભે પી.જી.વી.સી.એલના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.એમ.પરમારે જણાવ્યું હતું કે લુણધરા ફીડર ભારે વરસાદને કારણે બંધ થયું હતું. અને તેની હેઠળના ગામો લુણધરા, માલપરા, મીઠાપુર, તેમજ દાત્રેજીયામાં લાઈનો તેમજ થાંભલાઓને વ્યાપક નુકસાન થયું હતું. ત્યારે અધિક્ષક ઇજનેર પી.આર.ભાડજા દ્વારા આ ગામોમાં ત્વરિત વીજ પુરવઠો કાર્યરત કરવાની સૂચના મળતાં 3 ઈજનેર સહિતની 25 જણાંની ટીમ 3 કી.મી સુધી પાણીમાં ચાલતાં જઈ સવારે 9 થી સાંજ ના 7 વાગ્યા સુધી 4 ફૂટ સુધીના ઊંડા પાણીમાં ભોજન-પાણી લીધાં વીના સતત કાર્યરત રહી હતી.અને પાણી ભરેલ હોવા છતાં પડી ગયેલા વીજ થાંભલાઓ ઉભા કરવામાં સફળ રહી હતી.આમ પી.જી.વી.સી.એલ દ્વારા વિકટ સ્થિતિમાં પણ સુપેરે ફરજ બજાવી લુણધરા ફીડર હેઠળના તમામ ગામો માં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો