Connect Gujarat
ગુજરાત

લોકડાઉનની સ્થિતીમાં પ્રજાથી મોઢું સંતાડનારી કોંગ્રેસને જવાબદાર વિપક્ષ તરીકેનું હવે ભાન આવ્યું..? : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

લોકડાઉનની સ્થિતીમાં પ્રજાથી મોઢું સંતાડનારી કોંગ્રેસને જવાબદાર વિપક્ષ તરીકેનું હવે ભાન આવ્યું..? : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા
X

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ દ્વારા પ્રજાજનોને કોવિડ-19માં સહાયરૂપ થવા શરૂ કરાયેલી ‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન’ને તકવાદી રાજકારણનું એક આગવું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રજાના મન-માનસમાંથી ફેકાઇ ગયેલી કોંગ્રેસ હવે છાશવારે નિવેદનો અને પ્રચારમાં રહેવા માટેના ગતકડાં ઊભાં કરી પોતાનું અસ્તિત્વ ટકાવવાના હવાતિયાં મારે છે. એટલું જ નહિ, કોરોનાની બિમારી ભારતમાં કે ગુજરાતમાં હતી જ નહિ, ત્યારે તેનું સામાન્ય જ્ઞાન પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને નથી તે જ કોંગ્રેસની અજ્ઞાનતા છતિ કરે છે. તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ હતું.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, દેશના વડાપ્રધાને અચાનક લોકડાઉન કર્યુ અને સરકારના મુખ્યમંત્રીથી લઇને બધા ઘરે બેઠા છે, તેવા બેજવાબદાર નિવેદનો જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સામાન્ય જ્ઞાનની પણ સમજ નહીં હોવાનું સ્પષ્ટ પૂરવાર કરે છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની વિજય રૂપાણીની સરકાર આ મહામારીમાં પણ પ્રજાની સતત પડખે રહી છે. હોસ્પિટલોની મૂલાકાતો, વિડીયો કોન્ફરન્સથી નિયમીત સ્થિતીની સમીક્ષા, દવાઓ-સાધનોનો જથ્થો ઉપલબ્ધ કરાવવાથી માંડીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજથી અનેક રાહતો સહાય પણ આપી છે. તેઓએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસની જેમ આફત આવે ત્યારે મોઢું સંતાડવાની ફિતરત અમારી નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એવા દાવા કરે છે કે કોંગ્રેસનો કાર્યકર પ્રજાની વચ્ચે આવી મહામારીમાં ઊભો રહ્યો છે. પરંતુ તેમને એ યાદ છે ખરૂં કે, બનાસકાંઠાના પ્રચંડ પૂર વેળાએ મુખ્યમંત્રી સહિત આખી સરકાર સાત-સાત દિવસ સુધી બનાસકાંઠામાં પ્રજા સાથે હતી, ત્યારે તમારા ધારાસભ્યો બેંગ્લોરના પૂલમાં ધૂબાકા મારી મોજ-મસ્તી કરતા હતા.

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં માર્ચની તા. ૧૯મીએ કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો, ત્યારથી છેલ્લા અઢી મહિનાથી મુખ્યમંત્રી સહિત આખી સરકાર અને તંત્ર, ભાજપાના ધારાસભ્યો, સાંસદો દિવસ-રાત એક કરીને પ્રજાને આ સંક્રમણથી બચાવવાના ઉપાયોમાં અને સારવાર સેવામાં લાગેલી છે. હવે છેક રહિ રહિને કોંગ્રેસને આવી હેલ્પલાઇન શરૂ કરવાનું કોના માટે સુઝયું એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આપે એમ પણ તેમણે ઉમેર્યુ છે. પ્રજાની પીડામાં સંવેદના સાથે આખી રાજ્ય સરકાર ઊભી રહી છે. રાજ્યમાં લોકડાઉનની સ્થિતીમાં ધંધા-રોજગાર બંધ છે, ત્યારે કોઇને ભૂખ્યા સુવું ન પડે તેની ચિંતા કરવામાં આવી છે. ગુજરાત ઊદ્યોગ વેપારમાં નંબર વન રાજ્ય છે. એટલે અન્ય પ્રાંત પ્રદેશના શ્રમિકો-કારીગરો રોજી-રોટી માટે અહિં વસેલા છે. આવા શ્રમિકોને કોરોના વાયરસની સ્થિતીમાં હાલની લોકડાઉનની સ્થિતીમાં તેમના વતન રાજ્યમાં ઘર-પરિવાર પાસે મોકલવા ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી અત્યાર સુધીમાં ૩પ૦ વિશેષ ટ્રેન દ્વારા ૪ લાખથી વધુ શ્રમિકોને ટ્રેન મારફતે તેમના ઘરે પહોચાડ્યા છે. શ્રમિકોને રેલ્વે ભાડાના મૂદે તેમણે રાજનીતિ કરી રહેલા કોંગ્રેસીઓને પડકાર ફેંકયો હતો. અત્યારનો આ સમય રાજનીતિ કરવાનો નહી, પરંતુ સાથે મળીને કોરોનાના સંકટમાંથી રાજ્યને રાષ્ટ્રને બેઠું કરવાનો છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હકિકત જોયા જાણ્યા વિના નિવેદનો કરવાના વાયરસનો ભોગ બન્યા હોય તેમ એમના આવા બેજવાબદાર વાણી વિલાસથી લાગે છે.

Next Story