Connect Gujarat
ગુજરાત

વડોદરા : વતન જતાં લોકોએ કર્યો પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર ઘટના

વડોદરા : વતન જતાં લોકોએ કર્યો પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર ઘટના
X

કેન્દ્ર સરકારે દેશના વિવિધ રાજયોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત ફરવાની મંજુરી આપી દીધી છે પણ એક મહિનાથી લોકડાઉનમાં અટવાયેલાં લોકો હવે તેમનો મિજાજ ગુમાવી રહયાં છે. વડોદરાની અડીરણ ચેકપોસ્ટ ખાતે વાહનો રોકવામાં આવતાં રોષે ભરાયેલાં હિજરતીઓએ પથ્થરમારો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.

ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો તેમના વતનમાં પરત જઇ રહયાં હોવાથી રાજયની તમામ બોર્ડરો પર વાહનોનો જમાવડો થઇ ગયો છે. લોકોને સઘન ચેકિંગ બાદ આગળ જવા દેવામાં આવી રહયાં છે. વડોદરા તથા પંચમહાલ જિલ્લા પાસે આવેલી અડીરણ ચેકપોસ્ટ પર વાહનો રોકવામાં આવતાં તેમણે રોષે ભરાયને પથ્થરમારો કર્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે તેઓ વાહનોમાં કલાકોની મુસાફરી કરી રહયાં છે અને વતનમાં જઇ પરિવારને મળવા લોકો બેબાકળા બની ગયાં છે. વડોદરા પાસે દરજીપુરા ખાતે પણ શ્રમિકોએ હોબાળો મચાવતાં પોલીસ દોડતી થઇ હતી અને તેમને અમદાવાદ થઇ રાજસ્થાન બોર્ડરથી ઉત્તર પ્રદેશ મોકલવાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.

લોકડાઉનનો સમયગાળો વધી જતાં અને ધીરજ ખૂટતા શ્રમજીવીઓને ગુજરાત સરકાર દ્વારા તેઓને વતન મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત સરકારના અન્ય રાજ્યો સાથેના સંકલનના અભાવને કારણે શ્રમજીવીઓ પુનઃ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.યુ.પી., રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ સરકારે પરપ્રાંતિઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હોવા છતાં ગુજરાત સરકારે તે રાજયોના ફસાયેલા લોકોને પાસ ઇસ્યુ કરી દીધાં હોવાના આક્ષેપો થઇ રહયાં છે. દરજીપુરા ઉપરાંત અડીરણ ચેકપોસ્ટ ખાતે બસો રોકવામાં આવતાં પથ્થરમારા પર લોકો ઉતરી આવ્યાં હતાં. પોલીસ પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ બોર્ડર પર 400 જેટલાં વાહનોનો જમાવડો થઈ ગયો છે. ત્યાં મુસાફરોના સ્ક્રિનિંગ સહિતની કામગીરી કર્યા બાદ ક્લિયરન્સ આપવામાં આવી રહ્યું છે. બોર્ડર પર વધુ ભારણ ન થાય તે માટે અન્ય વાહનોને વડોદરા અને અડીરણ ખાતે અટકાવવામાં આવ્યા હતાં.

Next Story