/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-86.jpg)
માર્ગો ઉપર ભરાયેલા પાણીમાં બાળકો પણ જાણે મોતને મજાક બનાવી જીવના જોખમે ન્હાવા પડ્યા
ભરૂચ જિલ્લાનાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું પીરામણ ગામ નેશનલ હાઈવેથી માત્ર 200 મીટરનાં અંતરે આવેલું છે. આજરોજ વરસેલા વરસાદમાં ગામની સ્થિતિ અતિ દયનીય બની હતી. ગામ નજીકથી જ પસાર થતી આમલાખાડી ઓવરફ્લો થતાં ગામમાં પાણી ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાયી હતી. જ્યારે માર્ગો ઉપર પાણીનો ભરાવો થતાં શાળાઓમાં રજા જાહેર કરવી પડી હતી.
રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ જે ગામમાંથી આવે છે તેવું પિરામણ ગામ હાલમાં વરસાદી માહોલ વચ્ચે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પિરામણ ગામ પાસે વરસાદી પાણીનો ભરાવો થઈ જતાં તેના નિકાલની સમસ્યા કાયમ માટે એમની એમ જ રહી છે. આજે થયેલા વરસાદને પગલે પિરામણ ગામ પાસેથી પસાર થતા અને અંકલેશ્વર શહેરમાં જવા માટેનાં રસ્તા ઉપર 4 ફૂટ જેટલાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જેના પગલે પિરામણ ગામમાં આવેલી પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી.
શાળામાં રજા જાહેર થતાંની સાથે જ બાળકો જીવના જોખમે માર્ગ ઉપર ભરાયેલા પાણીમાં ન્હાવા પડ્યા હતા. બાળકો જાણે મોતને પણ મજાક બનાવી ધૂબાકા મારતા નજરે પડ્યા હતા. ગામ નજીકથી પસાર થતી આમલાખાડી બે કાંઠી વહી રહી છે. ત્યારે ખાડીમાં 12 ફૂટ જેટલા પાણી વહી રહ્યા હોય તે પાણી પિરામણ ગામમાં પ્રવેશતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નેશનલ હાઈવેથી અંકલેશ્વર શહેરમાં જવા માટેનો રસ્તો અહીંથી પસાર થતો હોવાથી તંત્રએ આ રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. રસ્તો બંધ કરવા છતાં જીવના જોખમે લોકો અહીંથી પસાર થતા નજરે પડ્યા હતા.