અમદાવાદ : મુંબઇથી બસમાં મોકલાવેલું ડ્રગ્સ લેવા આવેલાં બે ઝડપાયાં

મુંબઇથી અમદાવાદ આવેલી લકઝરી બસમાં મોકલવામાં આવેલાં એમડી ડ્રગ્સનો જથ્થો લેવા આવેલા બે યુવાનોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.46 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો કબજે લેવાયો છે. પ્રાથમિક તપાસમાં મુંબઇ અને ગોવાથી આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ મંગાવવામાં આવ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે એસજી હાઇવે પર આવેલી ટ્રાવેલ્સની ઓફિસ નજીક વોચ ગોઠવી હતી. જેમાં બે યુવાનોને કંડકટર પાસેથી મીઠાઇના બોકસ લેતાં ઝડપી પાડયાં હતાં. પોલીસે બંને યુવાનોને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં મિઠાઇના બોકસ ખોલી જોતાં તેમાંથી 1.46 કિલોના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ હુસેન એમ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સની કિંમત 1.46 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછમાં મઝહરના પુત્ર સહજાદે ગોવા અને મુંબઈથી ડ્રગ્સ મંગાવ્યુ હતું. ઢાલગરવાડમાં રહેતા પિતા-પુત્ર મુંબઈ અમે ગોવાથી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતા. પુત્ર મુંબઈના અસફાકબાવા નામના શખ્સ પાશેથી માલ મંગાવતો હતો. જ્યારે પિતા ડ્રગ્સના કેરિયર છે. આરોપી મઝહરના ઘરે તેના પુત્રને ઝડપવા ક્રાઈમ બ્રાન્ચે તેના ઘરે પણ પણ સર્ચ કર્યું હતું. જો કે સહજાદ મળ્યો નહતો. ઘરમાંથી એક પિસ્ટલ અને ત્રણ કારતુસ મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કુલ સાત લોકો સામે ગુનો નોંધી ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ તેમજ ગેરકાયદે હથિયાર રાખવાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.