અરવલ્લી જિલ્લામાં યોજાનારી રથયાત્રા માટે રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક

New Update
અરવલ્લી જિલ્લામાં યોજાનારી રથયાત્રા માટે રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક

મોડાસા શહેરમાં અષાઢી બીજના રોજ ગુરુવારે યોજાનાર ભગવાન જગન્નાથજીની 37મી રથયાત્રા નિમિત્તે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનમાં આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં રેન્જ આઈ.જી મયંક ચાવડા ખાસ ઉપસ્થિત રહીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચર્ચા કરી હતી. રેન્જ આઈ.જી મયંકસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર રથયાત્રા શાંતિપૂર્ણ યોજાય તે માટે તેઓ સંવેદનશીલ છે અને મોડાસા શહેરમાં યોજાતી ભવ્ય રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઉભી ન થાય તેની તકેદારીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.

પોલીસતંત્ર રથયાત્રા સમિતિના સદસ્યોના સ્વયંસેવકો સાથે સંકલનમાં રહી રથયાત્રા તેના નિયત રૂટ પરથી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરી નિજમંદિરે સમયસર પરત ફરે તે માટે વિશેષ ચર્ચા કરી હતી.

મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનમાં યોજાયેલી રથયાત્રા માટે શાંતિ સમિતિની બેઠકમાં નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ, સર્વોદય બેંકના ચેરમેન ઇકબાલ ઇપ્રોલીયા,હિન્દૂ અગ્રણી કનુભાઈ પટેલ,જીવદયા પ્રેમી નિલેશ જોશી, અખ્તર ચિસ્તી, રાજુ ભાઈ, શૈલેષ ભોઈ સહીત મોટી સંખ્યામાં હિન્દૂ-મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.