/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/01-30.jpg)
અરવલ્લી જિલ્લાના મુખ્યમાર્ગો પર પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ અરવલ્લી જિલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ વધારતા બુટલેગરો જિલ્લાના અંતરિયાળ વિસ્તારના માર્ગે મોટા પ્રમાણના વિદેશી દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે. મોડાસાના ટીંટોઈ ગામમાં રામજી મંદિર નજીક ગત મોડી રાત્રીએ શણગાલ તરફથી આવતી વિદેશી દારૂ ભરેલી કાર પલ્ટી ખાઈ કેનાલ માં ખાબકતા દારૂના રસિયાઓએ કારમાંથી દારૂની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા. બુટલેગર પણ નાસી છૂટતા દારૂ ભરેલી કાર પલટી જતા દોડી આવેલી રૂરલ પોલીસે વિદેશી દારૂ અને બિયરની 5 પેટી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, શુક્રવારની રાત્રીએ પુરઝડપે શણગાલ તરફથી આવતી આઈ-૧૦ કાર રામજી મંદિર પાસે કેનાલમાં ધડાકાભેર ઊંધા માથે પટકાતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા. કારમાં વિદેશી દારૂ-બિયર ના ટીન ભરેલ હોવાથી કાર ચાલક તક જોઈ ફરાર થઈ જતા કેનાલમાં દારૂ ભરેલી કાર ખાબકી હોવાની જાણ દારૂના રસિયાઓને થતા દારૂ-બિયરની લૂંટ ચલાવી પલાયન થયા હતા. કેનાલની આજુબાજુમાં વિદેશી દારૂ અને બીયરના પેટીના ખાલી ખોખા ઠેર ઠેર વેરવિખેર પડ્યા હતા. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા કેટલાક બીયરના શોખીનોએ તો ઘટનસ્થળે જ બીયરના ટીન ગટગટાવી ખાલી ટીન નાખી દીધા હતા.
મોડાસા રૂરલ પોલીસને ટીંટોઈ રામજી મંદિર નજીક વિદેશી દારૂ ભરેલી કાર કેનાલમાં ખાબકી હોવાની ઘટનાની જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી. પોલીસને ઘટનાસ્થળે થી કચ્ચરઘાણ નીકળેલી કાર અને વિદેશી દારૂ ની 5 પેટી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે મોડાસા રૂરલ પીએસઆઈ ચાવડા બેન સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટીંટોઈ નજીક પલ્ટી ખાઈ ગયેલી કાર માંથી ૫ પેટી દારૂ મળી આવ્યો છે કાર માંથી દારૂના પીયકક્ડો દારૂની લૂંટ ચલાવી હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી.