બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ
ચિથરેહાલ હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે.જિલ્લામાં તસ્કર ટોળકી અને
ઘરફોડિયા ગેંગે પડાવ નાખ્યો હોય તેમ સતત લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ભિલોડા
શહેરમાં આવેલી માંકરોડા રોડ પર આવેલી અવની સોસાયટીમાં રહેતા અને એલઆઈસી માંથી
નિવૃત્ત ડેવલોપમેન્ટ ઓફિસર ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી જાળી તોડી ઘરમાં
રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 4.5 લાખના મુદ્દામાલની
લૂંટ ચલાવી રફુચક્કર થતા નિવૃત કર્મચારીના માટે આભ તૂટી પડ્યું હતું. નિવૃત જીવન
શાંતિમય પસાર થાય તે માટે બચાવી રાખેલ પુંજી લૂંટાઈ જતા ભારે ચકચાર મચી હતી.
ભિલોડા પોલીસે રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
શનિવારે, ભિલોડાની અવની સોસાયટીમાં રહેતા ધીરુભાઈ સોમાભાઈ ખરાડી અને તેમની પત્ની
મકાન બંધ કરી અમદાવાદ ખાતે તેમની વહુ બીમાર હોવાથી ખબર-અંતર પૂછવા ગયા હતા. ત્યારે તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી ઘરની લોખંડની જાળી
તોડી ઘરના દરવાજાના તાળા-નકુચા તોડી ઘરમાં તિજોરી,કબાટ
અને ટેબલના ડ્રોવરના લોક તોડી નાખી તેમાં રાખેલા ૨ લાખથી વધુની રોકડ રકમ અને
સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ.4.5 લાખના મુદ્દામાલની
લૂંટ કરી ફરાર થઈ જતા અમદાવાદ થી ઘરે પરત ફરેલા ધીરૂભાઇએ જાળીનાં લોક અને ઘરનો
દરવાજો તૂટેલો જોતા ઘરમાં પ્રવેશતા ઘરમાં રહેલી તિજોરી અને કબાટ તૂટેલું હોવાની
સાથે રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ થયાનું જણાતાં
હાંફળા-ફાંફળા બની ગયા હતા. બંધ મકાનમાં લૂંટ થયાની જાણ થતા આજુબાજુથી લોકો દોડી
આવ્યા હતા.
ધીરુભાઈ સોમાભાઈ ખરાડીએ ભિલોડા પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી
પ્રાથમિક તપાસ હાથધરી અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી ચોરીની ઘટનાનો ભેદ
ઉકેલવા પ્રયત્નો હાથ ધર્યા હતા.