/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/13215007/maxresdefault-157.jpg)
જંબુસર તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતાં ખેતરો પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે પંથકના ખેડૂતોમાં ઊભો પાક નિષ્ફળ જવાની દેહશત ફેલાઈ છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર સમગ્ર રાજયમાં મેઘ મહેર જામી છે. ભરુચ જીલ્લામાં પણ એકધાર્યો વરસાદ વરસી રહ્યો છે. શ્રાવણિયા મેઘથી જળબંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. એક તરફ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ખેતરો જળમગ્ન થતાં ખેડૂતોની ચિંતા વધી છે.
જંબુસર પંથકમાં અનરાધાર વરસાદના કારણે ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે. વર્ષમાં એકવાર થતાં ખરીફ પાક પણ નિષ્ફળ થાય તેવી દહેશત ધરતીપુત્રોમાં ફેલાવા પામી છે. મહામુલા પાક તુવેર, કપાસ, દિવેલા અને પશુચારાને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાક ફેલ થવાની શંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જંબુસર તાલુકાના જાફર પુરા ગામના ખેડૂતોના ખેતરોમાં જાણે વરસાદી પૂર આવી ચઢ્યા હોય તેમ ખેતરો છલોછલ છલકાયાં છે. રસ્તાઓ પણ પાણીમાં ગરક થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે.