Connect Gujarat
ગુજરાત

ટેક્નોલોજીનો બખૂબી ઉપયોગ:Techo પ્લસ પ્રોજેકટથી આરોગ્ય કાર્યકર બહેનોએ રાખવાના રજીસ્ટર્સ ડિજિટલ થયા

ટેક્નોલોજીનો બખૂબી ઉપયોગ:Techo પ્લસ પ્રોજેકટથી આરોગ્ય કાર્યકર બહેનોએ રાખવાના રજીસ્ટર્સ ડિજિટલ થયા
X

રાજય સરકાર વિકાસલક્ષી અને જાહેર જનતા સુધી પહોંચતી પ્રાથમિક સુવિધાઓને આધુનિક કરવાનો અભિગમ ધરાવે છે. પ્રજાની સુખાકારી માટે રાજય સરકારે ટેક્નોલોજીનો બખૂબી ઉપયોગ કરીને રોજબરોજની કામગીરીને ડિજીટલ કરીને સરળીકરણ તથા પારદર્શી બનાવી આપી છે. આરોગ્ય સુવિધાઓને આધુનિક તેમજ ઝડપી બનાવવા રાજય સરકારે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એપ્રિલ-૨૦૧૮થી ટેકો પ્લસ પ્રોજેક્ટ અમલી કર્યો છે. આરોગ્ય વિભાગના સફળ Techo પ્લસ પ્રોજેકટની વાત આજે અહીં કરવી છે.

Techo પ્લસ પ્રોજેકટની વાત કરતા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતે કહ્યું કે, જિલ્લા આરોગ્ય તંત્રમાં કાર્યરત આશા આરોગ્ય કાર્યકર બહેનો દ્વારા ફિલ્ડમાં એટલે કે ઘર તપાસ કરીને વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રાજયવ્યાપી Techo પ્લસ પ્રોજેક્ટના અમલને પગલે હવે તેઓ ઘેર-ઘેર જઈને આરોગ્ય સેવાઓ આપવાની જે કામગીરી કરે છે, એની સ્માર્ટ મોબાઈલ ફોન દ્વારા એપ ની મદદથી કામગીરી કરે તે જ સમયે(રિયલ ટાઈમ)નોંધણી એટલે કે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાનું શક્ય બન્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રોજેકટ હેઠળ વડોદરા જિલ્લાના ૨૩ વેલનેસ સેંટર્સના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ અને ૨૨૩ આશા આરોગ્ય કાર્યકરોને Techo પ્લસની એન્ડ્રોઇડબેઝડ એપ્લિકેશન ધરાવતા સ્માર્ટ ફોન્સ આપવામાં આવ્યા છે. તેના પગલે આરોગ્ય કાર્યકર બહેનોએ રાખવાના રજીસ્ટર્સનું ડીજીટલાઇઝેશન શક્ય બની રહ્યું છે. આમ, ટેકો પ્લસ પ્રોજેકટ અંતર્ગત વડોદરા જીલ્લામાં આયુષમાન ભારત યોજના અન્વયે કાર્યરત ૨૩ હેલ્થ & વેલનેસ સેન્ટરમાં ફરજ બજાવતા ૨૩ કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ( CHO ) અને ૨૨૬ આશા બહેનો સહિત કુલ ૨૫૬ને રાજય સરકાર દ્વારા સ્માર્ટ મોબાઈલ ફોન આપવામાં આવેલ છે.

ટેકો પ્લસ એ એન્ડ્રોઇડબેઇઝડ મોબાઇલ એપ્લિકેશન છે. જેના ઉપયોગ થકી સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા પૂરી પાડવામાં આવતી માતૃ અને બાળકલ્યાણને લગતી તમામ સેવાઓની ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. સગર્ભા માતાની તપાસ, સગર્ભા માતાને રસીકરણ, ડીલવરી સેવાઓ, બાળક રસીકરણ સેવાઓ, બાળકને પોષણને લગતી સેવાઓ સહિતની વિગતોને તેમાં સાંકળી લઇને રીઅલ ટાઇમ એન્ટ્રી કરવામાં આવે છે, જેથી લાભાર્થીની તમામ વિગતો એક જ સમયે એક સાથે મળી રહે છે જેના કારણે ડૉકટર્સ કે અન્ય આરોગ્ય કર્મચારી તેનો મેડિકલ હિસ્ટરી તરીકે પણ ઉપયોગ કરી શકે છે. આમ, એક જ સાથે દર્દી-લાભાર્થીની વિગતો મળી રહેતા ઘણું સરળીકરણ થયું છે, તેમ શ્રી ડૉ. ટીલાવતે વધુમાં કહ્યું હતુ.

ટેકનોલોજીનો બખૂબી અને બેનમૂન ઉપયોગસમો Techo પ્લસ પ્રોજેકટ આરોગ્યક્ષેત્રે પારદર્શિતા અને સરળીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ Techo પ્લસ પ્રોજેકટની મદદથી લાભાર્થીની તમામ વિગતો એક જ સ્થળે નોંધવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રના સંબંધિતોને લાભાર્થીની મેડિકલ હિસ્ટરી મેળવવામાં સરળીકરણ અને પારદર્શીકરણ થયું છે.

મેડિકલ કોલેજ હોસ્પિટલ્સ, જિલ્લા હોસ્પિટલ્સ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ્સ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી માતૃ અને બાળકલ્યાણને લગતી તમામ સેવાઓની ઓનલાઇન ડેટા એન્ટ્રી, ડેટા એન્ટ્રી ઓપરેટર દ્વારા ટેકો ડેસબોર્ડમાં રીઅલ ટાઇમ કરવામાં આવે છે.

નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ ૭+૪ ઇન્ડિકેટરનો સમાવેશ પણ ટેકો પ્લસ પ્રોજેક્ટસમાં તબક્કાવાર કરવામાં આવશે. ટેકો પ્લસ પ્રોજેક્ટસના મોનીટરીંગ, ઇમ્પ્લીમેન્ટેશન અને ટેક્નિકલ બાબતોના નિવારણ માટે જિલ્લાકક્ષાએ જિલ્લા ટેકો કો-ઓર્ડિનેટર અને તાલુકાકક્ષાએ તાલુકા ટેકો કો-ઓર્ડિનેટરની નિમણૂંક કરવામાં આવી છે. જે આશા બહેનોને ટેકો પ્લસ પ્રોજેકટની તાલીમ આપતા રહે છે.

ટેકો પ્લસ પ્રોજેક્ટસમાં તમામ FHW બહેનો દ્વારા તેમને આ૫વામાં આવેલ મોબાઇલ એપ્લિકેશનમાં કરવામાં આવે છે. આ એપ્લિકેશનમાં ૧૫ આઇકોન છે. FHW બહેનો જે-તે વિસ્તારના તમામ કુટુંબની સગર્ભા-ધાત્રીની માહિતી-વિગતો, બિનચેપી રોગો ઉપરાંત તમામ આરોગ્ય વિષયક માહિતીઓ ઉમેરવામાં આવે છે.

Techo પ્લસ પ્રોજેકટના લીધે સરળીકરણ થતાં દર્દી-લાભાર્થીને આપવામાં આવતી સેવાથી અવગત થઇ શકાય છે. લાભાર્થીને હવે પછી આપવામાં આવનાર સેવાની જાણ પણ આગોતરી થઇ જતા લાભાર્થીને આપવામાં આવનારી સેવા બાબતે એલર્ટ રહેવામાં પણ Techo પ્લસ પ્રોજેકટ ઉપયોગી નીવડ્યો છે. ટેકો પ્લસ પ્રોજેકટમાં FHW બહેનોને અગાઉથી તેમને કરવાની કામગીરીની વિગતો પણ મળી રહે છે. જેમ કે, કયા લાભાર્થીને કઇ સેવાઓ ક્યારે આપવાની તેની માહિતી એપ્લિકેશનમાંથી મળતા તેઓ કોઇપણ લાભાર્થી જરૂરી સેવાથી વંચિત ન રહે તેની કાળજી લેવામાં આવે છે. લાભાર્થીને આરોગ્યલક્ષી જોખમ જણાય ત્યારે આમ, ટેકો પ્લસ પ્રોજેકટના લીધે તેમને સમયસર સારવાર મળી રહે તેવી પૂરતી વ્યવસ્થા અને આયોજન થઇ શકે છે. લાભાર્થીનું સ્થળાંતર અન્ય કોઇ તાલુકા-જિલ્લામાં થાય ત્યારે આ પ્રોજેક્ટને લીધે આરોગ્ય વિષયક સેવાઓની રીયલ ટાઇમ વિગતો ઉપલબ્ધ હોઇ છે.

આ ઉપરાંત ટેકો પ્લસ પ્રોજેકટને લીધે FHW બહેનોના તમામ રજીસ્ટર ડિજીટલ થશે અને તેને લીધે રજીસ્ટરમાં નોંધણી કરવાના સમય-શક્તિની બચત થાય છે. જોખમ હોય તેવા સગર્ભાઓ અને બાળકોની યાદીમાં પણ આ પ્રોજેક્ટસની મદદથી ઉપલબ્ધ થશે, તેથી તેમનું ટ્રેકિંગ કરવામાં સરળતા થશે એ ઉપરાંત તેની મદદથી લાભાર્થીને સમયસર સેવાઓ અને રેફરલ સર્વિસ પૂરી પાડવામાં આવે છે.

ટેકો પ્લસ પ્રોજેકટથી રસીકરણમાં જે બાળકો ડ્રોપઆઉટ અને લેફ્ટ આઉટ થઇ જાય છે અને તેને પણ આ એપ્લિકેશન દ્વારા ટ્રેકિંગ કરીને સમયસર રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ટેકો પ્લસ એપ્લિકેશનમાં આરોગ્ય વિષયક વિડીયો આપવામાં આવે છે, જેના દ્વારા FHW અને આશા બહેનો લાભાર્થીઓને વધુ સારી સેવા પૂરી પાડી શકે તેનું સંપરામર્શ કરવામાં આવે છે.

સમગ્ર રાજયની સાથોસાથ ટેકો પ્લસ પ્રોજેકટ વડોદરા જિલ્લામાં એપ્રિલ-૨૦૧૮થી અમલી છે. ટેકો પ્લસ પ્રોજેકટ અંતર્ગત વડોદરા જિલ્લામાં ( ગ્રામ્ય અને નગરપાલિકા ) ફરજ બજાવતા FHW/ANM બહેનોને રાજય સરકાર દ્વારા સ્માર્ટ મોબાઈલ ફોન આપવામાં આવે છે. જેની મદદથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) અને આશા બહેનો, લોહીનું ઉંચું દબાણ, ડાયાબિટીસ, મોઢાનું કેન્સર, સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર સહિતના બીનચેપી રોગોનું કરેલ સ્ક્રીનીંગ અને તેની રીઅલ ટાઇમ ડેટા એન્ટ્રી કરે છે. આ ઉપરાંત સ્ક્રીનીંગ દરમિયાન લાભાર્થીને કોઇ શંકાસ્પદ બાબત કે રોગ જણાય તો તેમને સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે.

Next Story
Share it