Connect Gujarat
ગુજરાત

દાંડીની ડી.આર.પટેલ માધ્યમિક શાળા ખાતે શ્રમજીવી મહિલા દિવસની કરાઇ ઉજવણી

દાંડીની ડી.આર.પટેલ માધ્યમિક શાળા ખાતે શ્રમજીવી મહિલા દિવસની કરાઇ ઉજવણી
X

વલસાડ તાલુકાના દાંડી ગામની ડી.આર.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવણીના ભાગરૂપે શ્રમજીવી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વંદનાબેન ટંડેલે સરકારની યોજનાઓનો લાભ લેવા માટેના ધારાધોરણો જાણી લાભ લેવા તેમજ અન્યને લાભ અપાવવા મદદરૂપ બનવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા ઘરની સફાઇ કરવાની સાથે શેરી અને ગામની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ગ્રામ્યસ્તરે સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે, જેના થકી ગામેગામ પાકા રસ્તા, ઘર સુધી જવા માટે પેવર બ્લોક, પીવાનું પાણી વગેરેની સુવિધાઓ આપવામાં આવે છે.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સનાબેને મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો. બાળકના જન્મથી જ કુપોષિત ન રહે તે માટે આંગણવાડીની બહેનો કુપોષણ નિવારણ માટે ધાત્રી માતાઓ અને કિશોરીઓએ આપવામાં આવતા પોષક આહાર લેવો જાઇએ. પોતાના બાળક તંદુરસ્ત રહે તે માટે પ્રથમ છ માસ સુધી ફક્ત માતાનું દૂધ જ આપવું જાઇએ, ત્યારબાદ ઘરે બનાવેલો અથવા આંગણવાડીની બહેનોએ આપેલો પોષણયુકત આહાર આપવો જાઇએ. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ મેળવવા માટે આંગણવાડીમાં જરૂરી નોંધણી કરાવવા તેમજ જરૂરી આરોગ્ય તપાસ કરાવવા જણાવ્યું હતું.

મદદનીશ શ્રમ અધિકારી ટી.વી.ઠાકોરે બાંધકામ ક્ષેત્રે કામ કરતા દરેક શ્રમયોગીઓને શ્રમયોગી કલ્યાણની યોજનાઓનો લાભ મેળવવા જણાવ્યું હતું. વલસાડ જિલ્લામાં ૬ સ્થળોએ ઓળખકાર્ડ ધરાવતા કર્મયોગીઓને ૧૦ રૂપિયામાં ભોજન મળે છે. આ ઉપરાંત મહિલાઓને પ્રસુતિ યોજના, પ્રધાનમંત્રી શ્રમયોગી યોજના હેઠળ વીમા કવચ, પ્રધાનમંત્રી માનધન યોજના જેવી યોજનાઓનો લાભ મળી શકે છે. અકસ્માતમાં કોઇ કામ કરવા લાયક ન રહે તેમને ૩ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. દીકરીના જન્મ સમયે ૧૦ હજારના બોન્ડ આપવામાં આવે છે, તેમ જણાવ્યું હતું.

મહિલા બાળ અધિકારી શૈલષભાઇ કણજરીયાએ મહિલા અને બાળ વિકાસ યોજનાઓની જાણકારી આપી હતી. વ્હાલી દીકરી યોજના હેઠળ બે લાખ કરતાં ઓછી આવક ધરાવતા કુટુંબમાં ૨જી ઓગસ્ટ ૧૯ પછી જન્મેલી દીકરી પાંચ વર્ષની થાય ત્યારે ૪ હજાર રૂપિયા અને ૧૪મા વર્ષે ૬ હજાર અને ૧૮મા વર્ષે રૂ. ૧ લાખ દીકરીના ખાતામાં જમા કરાશે. જેના ફોર્મ આંગણવાડી બહેનો, સુપરવાઇઝર, સીડીપીઓ, જિલ્લા બાળ અને મહિલા વિકાસ અધિકારીની કચેરીમાં વિનામૂલ્યે મળી રહેશે. વિધવા પેન્શન યોજના હેઠળ રૂ.૧૨પ૦ની સહાય આપવામાં આવે છે. ઘરદીવડા યોજના હેઠળ વિધવા, ત્યકતા મહિલાઓને એક લાખ રૂપિયાની લોન ગૃહ ઉદ્યોગ માટે મળે છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ૪૦ હજાર રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે. મહિલાઓ ઉપર થતા અત્યાચાર સામે રક્ષણ મેળવવા માટે વકીલ અથવા રક્ષણ અધિકારી મારફતે ફરિયાદ કરી કેસ દાખલ કરી શકાતો હોવાનું જણાવ્યું હતું.

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના ગાયત્રીબેન રાઠોડે હેલ્પલાઇન કામગીરીની રૂપરેખા આપી દરેક જરૂરિયાતમંદ મહિલાઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે, જેથી સમસ્યાઓથી પીડાતી મહિલાઓને મદદ કરવા માટે ૧૮૧ ઉપર કોઇપણ જાતના ડર વિના કોલ કરી શકે છે. તેમણે વલસાડની ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા કરાયેલી કામગીરીની જાણકારી આપી હતી. ૧૮૧ અભયમ યોજના અંતર્ગત કયા-કયા પ્રકારની મદદ મળે છે તેની વિસ્તૃત જાણકારી આપી મુશ્કેલીના સમયે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ધન્વન્તરી આરોગ્ય રથના ડૉ.દિપાલી પટેલે આરોગ્ય રથની કામગીરીની જાણકારી આપી કન્સ્ટ્રકશન સાઇટ ઉપર જઇને જરૂરી સારવાર આપવામાં આવતી હોય તેનો લાભ લેવા જણાવ્યું હતું. મદદનીશ શ્રમ આયુક્ત જે.આર.જાડેજાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.આ અવસરે ધન્વન્તરી આરોગ્ય રથના મહિલા કર્મચારીઓ ડો.દિપાલી પટેલ, ભાવિકા ભુસારા, તેજલ પટેલ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કર્મીઓ ગાયત્રીબેન રાઠોડ, ડિમ્પલ પટેલનું સન્માન કરાયું હતું. ડી.આર.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાની બાલિકાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતાં.

આ અવસરે તાલુકા પંચાયત સભ્ય મીનાબેન ટંડેલ, વિદ્યાવિહાર કેળવણી મંડળના મનહરભાઇ પટેલ, દાંડીના સરપંચ લક્ષ્મીબેન પટેલ, ભાગલના સરપંચ શીલાબેન નાયકા, માલવણના સરપંચ કલ્પનાબેન પટેલ, શાળાના આચાર્ય પ્રવિણભાઇ પરમાર, ૧૮૧ અભયમ, ધન્વન્તરી આરોગ્ય રથના કર્મયોગીઓ સહિત મહિલાઓ હાજર રહી હતી.

Next Story
Share it