/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/sus-e1565114529751.jpg)
દેશના પુર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન સુષ્મા સ્વરાજનું મંગળવારે મોડી રાત્રે 67 વર્ષની વયે દિલ્હી ખાતે નિધન થયું છે. તેમણે દીલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના નિધનના પગલે રાજકીય આગેવાનો અને કાર્યકરોમાં ઘેરા શોકની લાગણી પ્રર્વતી રહી છે. તેમને હદયરોગનો હુમલો આવતાં એઇમ્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. નિધનના થોડા કલાકો અગાઉ જ તેમણે કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટવીટ કરી અભિનંદન પાઠવ્યાં હતાં.
સુષ્મા સ્વરાજનો જન્મ હરીયાણના અંબાલા કેન્ટમાં 14મી ફેબ્રુઆરી 1953ના રોજ થયો હતો. તેમના પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સભ્ય હતાં. સુષ્મા સ્વરાજે અંબાલાની સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ચંડીગઢ યુનિવર્સીટીમાંથી તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો. સુષ્મા સ્વરાજ અભ્યાસકાળથી જ હીંદી અને સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતાં હતાં. 1973ની સાલમાં તેમણે સુપ્રિમ કોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. સુષ્મા સ્વરાજે 1970માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સુષ્મા સ્વરાજના પતિ જયોર્જ ફર્નાન્ડીઝ સાથે નિકતતા ધરાવતાં હતાં. 1977 થી 1982 સુધી સુષ્મા સ્વરાજ હરિયાણા વિધાનસભાના સભ્ય રહયાં હતાં. હરીયાણાની દેવીલાલ સરકારમાં તેઓ કેબીનેટ મંત્રી બન્યાં હતાં. 1990ની સાલમાં તેઓ રાજયસભાના સભ્ય ચૂંટાયા હતાં. 1996માં તેઓ દક્ષિણ દીલ્હીની બેઠક પરથી ચૂંટાઇને સંસદ સભ્ય બન્યાં હતાં.
અટલબિહારી બાજપાઇની 13 દિવસની સરકારમાં તેમને માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી બનાવાયાં હતાં. 12મી લોકસભામાં પણ તેઓ મંત્રી બન્યાં હતાં. 15મી લોકસભામાં તેઓ મધ્યપ્રદેશની વિદીશા બેઠક પરથી જીત્યા હતાં અને લોકસભામાં વિપક્ષના નેતા બન્યાં હતાં. 2014થી 2019 દરમિયાન નરેન્દ્ર મોદી સરકારમાં તેમણે વિદેશ મંત્રી તરીકેની જવાબદારી સુપેરે અદા કરી હતી. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી લડવાનો તેમણે ઇન્કાર કર્યો હતો. સુ઼ષ્મા સ્વરાજ દીલ્હીના મુખ્યમંત્રી પણ રહી ચુકયાં છે. સુષ્મા સ્વરાજ ચૂંટણીઓ દરમિયાન ગુજરાતમાં અનેક વખત આવી ચુકયાં છે. ભરૂચના શકિતનાથ મેદાન ખાતે પણ તેમણે જાહેરસભાને સંબોધિત કરી હતી. લોકપ્રિય મહીલા નેતાની છબી ધરાવતાં સુષ્મા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની વયે દીલ્હી ખાતે નિધન થયું છે.મંગળવારે રાત્રે તેમને હદયરોગનો હુમલો આવતાં સારવાર માટે ખસેડાયા હતાં પરંતુ તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધાં હતાં.