નર્મદાના નીર ઓસરી જતાં દશામાની પ્રતિમાઓ કિનારા પર રઝળી પડી

ભરૂચમાં નર્મદા નદીના નીર ઓસરી જતાં રવિવારના રોજ પાણીમાં વિસર્જીત કરાયેલી દશામાની પ્રતિમાઓ કિનારા પર રઝળી પડી હતી. કેટલાક સેવાભાવી યુવાનોએ પ્રતિમાઓને ફરીથી વિસર્જીત કરી હતી. શ્રધ્ધાળુઓ હવે પીઓપીના બદલે માટીની મૂર્તિઓ તરફ વળે તે જરૂરી બની ગયું છે.
નર્મદા નદી માં સરદાર સરોવર ડેમમાંથી ૬ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નદી બે કાંઠે થઈ હતી.જે ધસમસતા પાણીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની દશામાંની પ્રતિમાઓ વિસર્જિત કરાઈ હતી. નદીની જળ સપાટી માં ઘટાડો થતાં પ્રતિમાઓ બહાર ઉપસી આવી હતી.જે કાંઠા પર પર રહેલી પ્રતિમાઓ ને પુનઃ વિસર્જિત કરાઈ હતી.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ની જળ સપાટી માં સતત વધારો થતા ૧૩૧ મીટરની સપાટી વટાવી દેતા ડેમ ઓવરફ્લો થયા તે પહેલા જ ડેમ ના ૨૬ દરવાજા ખોલી નાખવામાં આવતાં નદી બે કાંઠે વહેતી થઇ છે. નદીની વધેલી સપાટી વચ્ચે મા દશામાની પ્રતિમાઓનું રવિવારના રોજ વિસર્જન કરાયું હતું. 10 દિવસ સુધી દશામાની ભકિત અને આસ્થા સભર માહોલમાં દશામાનું વ્રત ઉજવાયું હતું. ડેમમાંથી આવતા પાણીનો આવરો ઘટી જતાં નર્મદાના નીર ઓસરી રહયાં છે. સોમવારના રોજ ભરૂચના કાંઠે દશામાની વિસર્જીત કરાયેલી પ્રતિમાઓ કિનારા પર રઝળતી જોવા મળી હતી. કેટલીક પ્રતિમાઓ ને કેટલાક લોકો એ વહેતા પાણીમાં પુનઃ વિસર્જિત કરી હતી.ત્યારે ભક્તોએ પણ હવે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ નો બહિષ્કાર કરી ઈકો ફ્રેન્ડલી તેમજ માટીની પ્રતિમાઓ ની સ્થાપના કરવાની જરૂર જણાઈ રહી છે.તંત્ર માત્ર પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમા ઉપર પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડી સંતોષ માણી લેતા હોય છે.પરંતુ પલસાટર ઓફ પેરિસ ની પ્રતિમા બનાવતા મૂર્તિકારો સામે દંડનીય કાર્યવાહી કરશે તો આવનાર સમયમાં લોકો ઈકો ફ્રેન્ડલી તેમજ માટી ની અન્ય દેવો ની પ્રતિમાઓની સ્થાપના કરી ધાર્મિક ઉત્સવો ની ઉજવણી કરશે.