નર્મદા જિલ્લામાં ૬૨૬ BLOના માધ્યમથી તમામ મતદારોને ઘેર ઘેર વોટર્સ સ્લીપનું થઇ રહેલું વિતરણ

New Update
નર્મદા જિલ્લામાં ૬૨૬ BLOના માધ્યમથી તમામ મતદારોને ઘેર ઘેર વોટર્સ સ્લીપનું થઇ રહેલું વિતરણ
  • ફોટો વોટર સ્લીપ ફક્ત માર્ગદર્શન માટે છે તેનો ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહિ

  • કુટુંબદીઠ મતદાર માર્ગદર્શિકા સંપૂટનું વિતરણ

નર્મદા જિલ્લામાં તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ને મંગળવારનાં રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ સંદર્ભે ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તાર તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન માટે જિલ્લાની મતદાર યાદીમાં નોંધાયેલ તમામ મતદારો મતદાનમાં ભાગ લેવાની સાથે મહત્તમ મતદાન નોંધાય તે માટે ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૬૨૬ જેટલા બીએલઓના માધ્યમથી જિલ્લાની મતદાર યાદીમાં નોંધાયેલા ૪,૨૭,૪૯૨ જેટલા મતદારોને ઘેર ઘેર ફરીને વોટર સ્લીપ અને કુટુંબદીઠ માર્ગદર્શિકા સંપૂટનું વિતરણ થઇ રહ્યું છે અને આ કામગીરી સંભવતઃ આજે તા.૧૭ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ પૂર્ણ થવાની આરે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતનાં ચૂંટણીપંચ તરફથી મતદારોને વિતરણ કરવામાં આવેલી ફોટો વોટર સ્લીપના ફક્ત માર્ગદર્શન માટે છે, તેનો ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહિ. ભારતના ચૂંટણીપંચ દ્વારા અન્ય જે વૈકલ્પિક માન્ય કરેલા ૧૨ જેટલા પુરાવાઓ પૈકી કોઇપણ એક પુરાવો મતદાન મથક પર ઓળખના પુરાવા તરીકે રજૂ કર્યેથી મતદાન કરી શકાશે, જેની જિલ્લાના મતદારોને જાહેર નોંધ લેવા નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી જણાવાયું છે.