/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/Untitled-1-copy.JPG-1-1.jpg)
રાજકોટનાં ખોયાણી પરિવારની એકની એક દીકરીને વળાવ્યાને હજી કલાકો જ થયા હતા ને આવ્ચા મોતનાં સમાચાર
રાજકોટનાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા ખોયાણી પરિવારની દીકરીને રવિવારે સાંજે ભારે હૈયે તેના સાસરે વળાવી હતી. પરંતુ દીકરીના સાંસારિક જીવનના કલાકો જ વિત્યા હતા ત્યાં કુદરત જાણે ક્રૂર મજાક કરી હોય તેમ કાયમને માટે અંધકાર પાથરી દેતાં જોડીનો સંસાર ખંડિત થયો હતો.
ભક્તિનગર સોસાયટીમાં રહેતા બોરવેલના ધંધાર્થી બાબુભાઇ કરશનભાઇ ખોયાણીને સંતાનમાં એક પુત્ર અને એક પ્રિયંકા નામે લાડકવાયી દીકરી હતી. પ્રિયંકાને રાજકોટમાં જ સાસરું મળે તો કાયમ નજર સામે રહે તેવી ઈચ્છા હતી. ખોયાણી પરિવારની ઇચ્છા પૂરી થઇ પણ ખરી. મોટામવામાં રહેતા જય ધીરૂભાઇ ઠુમ્મર સાથે સગપણ કરી ગત રવિવારે સાંજે ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. એકની એક દીકરીનાં લગ્નમાં પરિવારે સહેજ પણ કચાસ રાખી નહોતી.
મંગળવારે સાંજે નવપરણિત યુગલ જય અને પ્રિયંકા તેમના ફઇના પુત્ર અનિલભાઇ વેકરિયાના ઘરે ચા પીવા માટે સ્કૂટર પર જવા નીકળ્યા હતા. નવા 150 ફૂટ રિંગ રોડ પર કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે પહોંચતાં જ સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલા કાળમૂખી ટ્રકે સ્કૂટરને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે નવદંપતી રોડ ઉપર પટકાયું હતું. તે સાથે જ પ્રિયંકા પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળ્યા હતા. અકસ્માતમાં પ્રિયંકાએ હંમેશાં માટે વિદાય લઇ લીધી હતી. જ્યારે ઘવાયેલા જય ઠુમ્મરને પણ તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ટ્રકચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.
પુત્રીને પરણાવીને સાસરે વિદાય કર્યાની જવાબદારીનો હજુ બાબુભાઇ ખોયાણીને અહેસાસ થાય તે પહેલાં જ તેમના પર જાણે આભ ફાટ્યું હતું. પુત્રીના આકસ્મિક મોતના સમાચારે ખોયાણી પરિવારને બેબાકળો બનાવી દીધો હતો. નવા રિંગરોડના અકસ્માતના સ્થળે મૃત પ્રિયંકાના મહેંદી રંગેલા હાથ જોઇને કઠણ હૈયાના લોકોને પણ અરેરાટી થઇ ગઇ હતી. ભક્તિનગર સોસાયટીના ખોયાણી પરિવારની લાડકવાઇ દીકરી પ્રિયંકાને હજુ તો રવિવારે જ ભારે હૈયે તેમના પિતાએ વિદાય આપી હતી. પિતાને એમ હતું કે દીકરી સાસરે જઇ રહી છે. પરંતુ કાળને તે મંજૂર ન હોય તેમ પ્રિયંકાએ મંગળવારે કાયમી વિદાય લઈ લેતાં પરિવાર ઉપર આભ ફાટ્યું હતું.