ભરૂચ : ભીડભંજન હનુમાન મંદિરે ભરાતો કોઠા-પાપડીનો ભાતીગળ મેળો

ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ તેના ભાતીગળ મેળાઓ માટે જાણીતું છે. મેઘરાજાના મેળા
બાદ વધુ એક મેળો શહેરની આગવી ઓળખ છે અને તે છે માગશર મહિનામાં ભીડ ભંજન હનુમાન
દાદાના મંદિરે ભરાતો કોઠા-પાપડીનો મેળો. માગશર મહિનાના દર ગુરૂવારે ભરાતો
કોઠા-પાપડીના મેળામાં શ્રધ્ધાળુઓ એકબીજા સાથે કોઠા લડાવે છે.
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર વર્ષો પહેલા એક કૂવામાં હનુમાનજી બિરાજમાન હતાં.
સ્થાનિક લોકોએ હનુમાનજીનું મંદિરનો જીર્ણોદ્ધાર કરી મંદિરને ભીડભંજન હનુમાન મંદિર
નામ આપ્યું હતું. હનુમાનજીના મંદિર અને તેઓની સામે સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ હિન્દુ અને મુસ્લિમ
સમાજનું કોમી એકતાનું પ્રતિક બની ગયાં છે. માગશર મહિનાના દર ગુરુવારે ભીડભંજન
હનુમાન મંદિર અને તેની સામે આવેલ દરગાહના મેદાનમાં કોઠા પાપડીનો મેળો ભરાય છે.
કોઠા પાપડીના મેળામાં યુવાન અને યુવતીઓ એકબીજા સાથે કોઠા લડાવીને પાપડી આરોગતાં
હોય છે. પોતાની માનતા પુર્ણ થતાં શ્રધ્ધાળુઓ દરગાહ ખાતે ઢેબરાની પ્રસાદી અર્પણ
કરતાં હોય છે. કોઠા-પાપડીના મેળામાં ભરૂચ ઉપરાંત રાજયના અન્ય શહેરોમાંથી પણ ભકતો
આવતાં હોય છે. કોમી એકતાના પ્રતિક સમાાન મેળો ભરૂચની આગવી ઓળખ બની ચુકયો છે.