મણિકર્ણિકાના શુટિંગ દરમિયાન અભિનેત્રી કંગના રનૌતને વાગી તલવાર

New Update
મણિકર્ણિકાના શુટિંગ દરમિયાન અભિનેત્રી કંગના રનૌતને વાગી તલવાર

અભિનેત્રી કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ મણિકર્ણિકા : ધ કવીન ઓફ ઝાંસીના સેટ પર ગંભીર રીતે ઇજા પામી છે. તલવારબાજીના દૃશ્ય વખતે કંગનાને માથા પાસે તલવારની ધાર વાગી હતી અને તેની આંખની બાજુમાંથી લોહીની નદી વહેવા માંડી હતી.

ફિલ્મનું શૂટિંગ અટકાવી કંગનાને હોસ્પિટલ લઇ જવાઇ હતી અને કંગનાને આ ઇજા બાદ પંદર ટાંકા લેવા પડયા છે. દિગ્દર્શકે કંગનાને બોડી ડબલના ઉપયોગની સલાહ આપી હતી પરંતુ અભિનેત્રીએ આ સ્ટન્ટ પોતે જ ભજવવાની તૈયારી દાખવી હતી.

કંગના આ દૃશ્ય પોતાના કો-સ્ટાર નિહાર પંડયા સાથે ભજવી રહી હતી જેમાં તેને ઇજા થઇ હતી. સેટ પર હાજર સૂત્રો અનુસાર એક એકશન દૃશ્ય દરમિયાન કંગના ઘાયલ થઇ ગઇ હતી અને તેને એપોલો હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

એપોલો હોસ્પિટલના આઇસીયુમાં હાલ અભિનેત્રીની સારવાર ચાલી રહી છે. અભિનેત્રીને આંખની બાજુમાં પંદર ટાંકા લેવા પડયા છે હાલ તે તબીબી નિરીક્ષણ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. તબીબો અનુસાર કંગનાનો જીવ માંડ બચ્યો છે કારણ કે તલવારની ધાર તેના નાકના હાડકાં સુધી પહોંચી ગઇ હતી.

આ આકસ્મિક ઘટના વિશે દિગ્દર્શક કમલ જૈને જણાવ્યું હતું કે આ દૃશ્યમાં નિહારે કંગના પર હુમલો કરવાનો હતો અને કંગનાએ તેનો બચાવ કરવાનો હતો, પરંતુ આ દૃશ્યની ટાઇમિંગ ખોટી થઇ ગઇ હતી અને ગરબડ સર્જાતા કંગનાને નિહારની તલવાર આંખની બાજુમાં વાગતા અભિનેત્રીને ગંભીર ઇજા થઇ છે. હોસ્પિટલ લઇ જતાં અભિનેત્રીને ૩૦ મિનિટ જેટલો સમય લાગ્યો હતો. ફિલ્મનું શૂટિંગ અભિનેત્રીને ઇજા થતાં અટકાવી દેવાયું છે. આ ઇજા બાદ કંગના પોતાના પર કોઇપણ પ્રકારની પ્રોસ્થેટિક અથવા કોસ્મેટિક સર્જરી કરાવવાની નથી.