/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/Final-Logo-copy-1.jpg)
વડાપ્રધાન સહિતના દિગ્ગજોએ સંબોધી હતી જાહેરસભાઓ
મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે 21મીના રોજ મતદાન થવા જઇ રહયું છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાની તમામ તાકાત ઝિકી દીધી હતી.
પ્રચાર પડઘમ શાંત થઇ ગયાં બાદ હવે બિન-જિલ્લાઓ અથવા પ્રદેશોમાંથી પ્રચાર માટે આવેલા નેતાઓ જિલ્લા છોડી પરત ફર્યા છે. પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદીએ હરિયાણામાં ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રેલી યોજી હતી. કોંગ્રેસે પણ રાહુલ ગાંધી સહિતના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળી ચૂંટણી લડી રહયાં છે અને તેમનો સીધો મુકાબલો ભાજપ અને શિવસેનાના ગઠબંધન સાથે છે. મહારાષ્ટ્રમાં હાલ ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર છે.
હરિયાણાની 90 બેઠકો માટે મતદાન
હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે. રાજ્યની 90 બેઠકો પરથી 1168 ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. આ વખતે ભાજપે આક્રમક રીતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયને મુદો બનાવ્યો હતો. સત્તા પરત મેળવવા કોંગ્રેસે પણ સંપૂર્ણ બહુમતીના લક્ષ્યાંક સાથે પ્રચાર કર્યો હતો.કોંગ્રેસે પણ મનોહર લાલ ખટ્ટર અને મોદી સરકારની નિષ્ફળતાઓ અને અસફળ નીતિઓને મુદ્દો બનાવ્યો હતો.
મહારાષ્ટ્રની 288 બેઠકો માટે મતદાન થશે
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આવતી કાલે એટ્લે કે 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે. આ બેઠકો પરથી કુલ 3237 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન સત્તા પર કાયમ રહેવા, જ્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના ગઠબંધને પાંચ વર્ષ પછી ફરીથી સત્તા મેળવવાની ઇચ્છાએ પ્રચાર દરમિયાન પૂરું જોર લગાવી દીધું છે. શરદ પવારે વૃદ્ધાવસ્થા છતાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ પોતાના હાથમાં રાખ્યું હતું.
17 રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓની સાથે 17 રાજ્યોની 64 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે. જેમાં કર્ણાટકમાં 15, ઉત્તર પ્રદેશમાં 11, કેરળ અને બિહારમાં પાંચ, ગુજરાત, આસામ અને પંજાબમાં ચાર-ચાર, સિક્કિમમાં ત્રણ, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાનમાં બે-બે, અને અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ , મેઘાલય, ઓડિશા અને પુડુચેરીમાં એક-એક બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો પર પણ 21 ઓક્ટોબરે મતદાન યોજાશે, જેના માટે પ્રચાર બંધ થઈ ગયો છે. બંને રાજયોની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે સામે આવશે.