Connect Gujarat
ગુજરાત

મોડાસાના પહાડપુર ગામે પિતાને કાંધ આપી ત્રણ પુત્રીઓએ દીકરાની ગરજ સારી

મોડાસાના પહાડપુર ગામે પિતાને કાંધ આપી ત્રણ પુત્રીઓએ દીકરાની ગરજ સારી
X

મોડાસા તાલુકાના પહાડપુર ગામે ત્રણ પુત્રીઓએ પોતાના મૃતક પિતાને કાંધ આપી અને અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવી સમાજને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શુક્રવારે સાંજના સુમારે આ ત્રણે દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો. દીકરીઓએ અશ્રુભીની આંખે પિતાને અંતિમ વિદાય આપી હતી.

હિન્દુ વિધિ પ્રમાણે જ્યારે પિતાનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં પુત્ર અર્થીને કાંધ આપે છે, પરંતુ મોડાસાના પહાડપુર ગામે ત્રણ પુત્રીઓએ પિતાને કાંધ આપતાં હ્યદયદ્રાવી દ્રશ્યો સર્જાયા હતા. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ડીવાયએસપી તરીકે ફરજબજાવી નિવૃત્ત થયેલા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જયંતીભાઈ ભગવાનદાસ પટેલનું દુઃખદ અવસાન થતાં તેમની સગી ૩ દીકરીઓ અને પરિવારજનોએ કાંધ આપી દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો. જેના ખોળામાં રમી મોટા થયાં એ જ પિતાને સ્મશાન વળાવતી વખતે દીકરીઓએ હ્રદય પર પથ્થર મુકી અગ્નિસંસ્કાર અને કાંધ આપી હતી. જે દરમિયાન આખા ગામમાં ગમગીનના દ્રશ્યો સર્જાયા હતા.

સુજાતાબેન, મમતાબેન અને રચના બેન પટેલે અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે 'અમે ક્યારેય સ્મશાન આવ્યા નથી. પરંતુ એક દીકરાની ભૂમિકા અદા કરવા માટે અમે અમારા પિતાને કાંધ આપીને અગ્નિસંસ્કાર કર્યા છે. અમારા જીવનમાં અમારા પિતાનો સિંહફાળો રહ્યો છે. જેનું ઋણ અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. અમે ત્રણે બહેનો સાસરે છીએ. અમે જે પિતાની છત્રછાંયા ગુમાવી છે તેનો આઘાત વર્ણાવી શકાય તેમ નથી.' પહાડપુર ગામમાં આ પ્રથમ ઘટના બની હતી કે જ્યાં દીકરીઓએ તેના પિતાને સ્મશાન સુધી કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા. ત્યારે આ પરિવારના દુખમાં ભાગીદાર બનવા માટે ગામ લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા.

Next Story
Share it