/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/DnrAIhLUwAEPaIT.jpg)
મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા પરિવારનાં ઘરે કૌટુંબિક સંબંધીનું બાળક રહેતું હતું
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે અપહરણ બાદ હત્યાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં ફરી એક વાર કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં બે દિવસ પહેલા શહેરના સોરઠીયા વાડી રોડ પર 8 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાળકનો આજે મૃતદેહ મળી આવ્યો છે. અપહરણ બાદ બાળકની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે પાડોશીની અટકાયત કરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટના સોરઠીયા વાડી રોડ પર આવેલા પવનપુત્ર ચોક નજીકથી બે દિવસ પૂર્વે બાળકનું અપહરણ થયું હતું. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા ઈમાનભાઈ બારીયાના પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યાર બાદ શંકાના આધારે પાડોશીની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ હત્યાની કબૂલાત કરી લીધી છે. બે દિવસ પહેલાં જ પાડોશીએ પવનપુત્ર ચોક નજીકથી બાળકનું અપહરણ કર્યું હતું. બાદમાં તેની હત્યા કરી દીધી હતી.
બાળક કૌટુંબિક સબંધી જૈમલભાઈના ઘેર રહેતો હતો. છેલ્લા 7 મહિનાથી પડોશમાં બીટુની દુકાનમાં સુવા જતો હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતક બાળક સહિત જૈમલના અન્ય બાળકો પણ બીટુની દુકાનમાં જ સુવા માટે જતા હોવાનું ખુલ્યું હતું. આરોપી બીટુએ બે દિવસ પહેલા જ ગળું દબાવી બાળકની હત્યા કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જો કે હત્યાનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.