વડોદરા - નળમાંથી પીવાના પાણીને નામે કાદવ ઠલવાતાં રહિશો ચોંકી ઉઠ્યાં

New Update
વડોદરા - નળમાંથી પીવાના પાણીને નામે કાદવ ઠલવાતાં રહિશો ચોંકી ઉઠ્યાં

વડોદરા - શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કબિર કોમ્પલેક્ષ સોસાયટીમાં નળમાં કોર્પોરેશનના પાણીને બદલે રિતસરનું કિચડ ઠલવાઈ રહ્યુ છે. આ ગંદુ પાણી પીવાનું તો ઠીક પણ વાસણ-કપડા ધોવા કે, ટોયલેટ-બાથરુમમાં પણ ઉપયોગમાં આવે તેવુ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આવા ગંદા પાણીના લીધે મકાનની અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં સાતથી આઠ ઈંચ જેટલો કાદવ ભરાઈ ગયો છે. આ બાબતની જાણ સોસાયટીના રહિશોએ કોર્પોરેશને કરી હોવા છતાંય કોઈ પગલા નહીં લેવાતા ભારે રોષ ફેલાયો છે.

સોસાયટીના રહિશ પાર્થ પટેલ કહે છે કે, છેલ્લા પાંચ દિવસથી અમારા ઘરે કોર્પોરેશનના પાણીના નામે નળમાંથી રિતસરનો કાદવ અને ગંદકી ટપકે છે. આવા ગંદા પાણીને કેટલાક રહિશોએ પોતાના ઘરની અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં ભર્યું તો નીચે સાતથી આઠ ઈંચ જેટલો કાદવ પથરાઈ ગયો.

અમારે તકલીફ એવી છે કે, આવા ગંદા પાણીને ટાંકીમાં છોડીએ તો નીચે કાદવ ભરાઈ જાય. ગટરમાં છોડીએ તો ડ્રેનેજની લાઈન ચોકઅપ થઈ જાય. આવુ ગંદુ અને કાદવ વાળુ પાણી અમારા કોઈ જ કામમાં આવતુ નથી. અમે વારંવાર આ બાબતની જાણ કોર્પોરેશનને કરી હોવા છતાંય કોઈ નિકાલ આવતો નથી.

Latest Stories