શ્વેત ક્રાંતિ બાદ હવે મધ ક્રાંતિની શરૂઆત થઇ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ચાર મહત્વના પ્રોજેક્ટનો મોદીના હસ્તે કરાયો પ્રારંભ
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ચાર મહત્વના પ્રોજેક્ટના પ્રારંભ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરને ક્રાંતિ બાદ મધ ક્રાંતિ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ડીસા ખાતે ચાર મહત્વના પ્રોજેક્ટ સ્વ.ગલભાઈ પટેલ જન્મ શતાબ્દી ઉજવણી, કાંકરેજ ગાય એ-2 અમુલ દૂધ પ્રોજેક્ટ, બનાસ ડેરી દ્વારા હાથ ધરાયેલો મધ પ્રોજેક્ટ અને અત્યાધુનિક ચીઝ અને વ્હે પ્લાન્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ ચાર પ્રોજેક્ટના પ્રારંભ કર્યા બાદ જાહેર જનતાને સંબોધન કર્યું હતુ. મોદીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની સિદ્ધિઓને બિરદાવી હતી, અને બનાસકાંઠા દાડમ અને બટાકા માટે જાણીતો જિલ્લો છે જયારે દુનિયામાં ચીઝ અને મધની માંગ છે ત્યારે ગુજરાતમાં શ્વેત ક્રાંતિ બાદ મધ ક્રાંતિની શરૂઆત થઇ છે.
25 થી 27 વર્ષ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા આવ્યા હતા. આ પ્રસંગે મોદી એ વધુમાં જણાવ્યુ હતુ કે પહેલા ચલણ તરીકે ચાંદીનો રૂપિયો હતો પછી કાગળના રૂપિયા આવ્યા અને હવે તમારો મોબાઈલ જ બેંક છે. ઈ વોલેટ અને એમ વોલેટનો ઉપયોગ કરો, બેંકોમાં લાઈન લગાવી સમય બરબાદ કરવાની જરૂર નથી.
મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે ઇમાનદાર લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે, 70 વર્ષ થી દેશને લૂંટવાવાળા, બ્રષ્ટાચારને પાળવા અને પોષવાવાળા આજે લોકોના નામે દુહાઈ આપે છે. રાષ્ટ્રપતિની ટિપ્પણી પછી પણ સંસદને ચાલવા દેવામાં ન આવી અને ચર્ચા માટે સરકાર તૈયાર છે પરંતુ હોબાળો મંજુર નહિ. વધુમાં તેઓએ રાજનીતિ થી ઉપર રાષ્ટ્રનીતિ હોય છે, પક્ષા પક્ષો થી ઉપર થઇ દેશ માટે કામ કરવુ જોઈએ.
વડાપ્રધાન મોદીએ ચલણની નાણાં સંદર્ભે જણાવ્યુ હતુ કે 8 નવેમ્બર પહેલા 20, 50 અને 100 જેવી નોટોની કિંમત નહોતી, નાના લોકોની તાકાત વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આજે રૂપિયા 100ની તાકાત વધી છે. અને તેમની લડાઈ આતંકવાદ સામે હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. અને જણાવ્યુ હતુ કે કોંગ્રેસની માનસિકતા છતી થઇ છે. કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલતુ હોવાના કટાક્ષ પણ તેઓએ કર્યા હતા.