Connect Gujarat
ગુજરાત

૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ એ ભારતનો સ્વતંત્રતા દિવસ

૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ એ ભારતનો સ્વતંત્રતા દિવસ
X

૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે વર્ષો સુધી ગુલામ રહેલ ભારત આઝાદ બન્યુ હતુ અને આપણા દેશે સ્વતંત્ર વાતાવરણમાંથી શ્વાસ લેવાનુ ચાલુ કર્યુ હતુ. આજે ભારત દેશ સ્વતંત્ર થયે વર્ષો વિતી ચુક્યા છે. ભારત દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોને મુળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે અધિકારો વિના માનવ વિકાસ શક્ય નથી, આ કારણ થી જ આપણા બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે. અધિકારોની સાથોસાથ આપણા બંધારણમાં નાગરિકોના કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે.

બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યોમાં રાષ્ટ્ર ધ્વજ માટે બે વાક્યો પણ છે. ૧.રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગીત અને ભારતીય સંવિધાન પ્રતિ અપમાન પ્રદર્શિત ન થાય તેના પ્રત્યે સભાન રહેવુ.,૨. રાષ્ટ્રીય ધ્વજનુ પ્રદર્શન કરતી વેળા યોગ્ય વર્તન કરવુ. આ બંન્ને કર્તવ્યોનુ પાલન થાય તે હેતુથી રાષ્ટ્રીય સમ્માનની અવમાનના પર રોક સંબંધી કાયદો, ૧૯૭૧તથા રાષ્ટ્રીય ધ્વજ સંહિતા એમ બે કાયદાઓ પણ બનેલા છે.

લગભગ ૧૫મી ઓગષ્ટ તથા ૨૬ જાન્યુઆરીના દિવસે જ મોટાભાગના લોકો આ કર્તવ્યો ભુલી જાય છે. ૧૫મી ઓગષ્ટના દિવસે દેશભક્તિ પ્રદર્શિત કર્યા બાદ નાના-નાના ધ્વજો જે-તે જગ્યાએ ફેંકવામાં આવે છે. આ રીતે ધ્વજો નીચે પડ્યા હોવાથી તે જ ધ્વજ પર લોકોના (ભારતીય નાગરિકોના) તેમજ પશુઓના પગ પણ પડતા હોય છે જે ખરેખર એક શરમજનક બાબત છે. ચોંકાવનારી વાત એ છે કે આ કૃત્ય કરવામાં સરકારી કચેરીઓ અને શાળાઓ પણ બાકાત નથી.

જે રીતે આપણે બંધારણના અધિકારો ભોગવીએ છીએ તે જ રીતે બંધારણના કર્તવ્યો/ફરજો નિભાવવાની પણ એક જાગૃત નાગરિક તરીકેની આપણી નૈતિક જવાબદારી છે. રાજ્યશાસ્ત્રના એક વિચારક અનુસાર જો આપણે આપણા કર્તવ્યો સંપૂર્ણપણે નિભાવીએ તો સામેની વ્યક્તિને પોતાના અધિકારો આપોઆપ મળી જાય છે. રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રગીત એ આપણી રાષ્ટ્રીય સંપતિ છે અને આ સંપતિનુ જતન કરવુ એ આપણી સૌની નૈતિક જવાબદારી પણ છે.

Next Story