Connect Gujarat
ગુજરાત

૨૫ દેશ, ૩ ખંડ, ૨૫૦૦૦થી વધુ કિલોમીટર સુધી 3 સુરતી કન્યાઓ કરશે અનોખી "નારી ગૌરવ" બાઈક યાત્રા

૨૫ દેશ, ૩ ખંડ, ૨૫૦૦૦થી વધુ કિલોમીટર સુધી 3 સુરતી કન્યાઓ કરશે અનોખી નારી ગૌરવ બાઈક યાત્રા
X

સમગ્ર યાત્રામાં યુએન-વુમનનો સહયોગ

બાઈકિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત થઇ ચુકેલી સુરતની "બાઈકિંગ કવીન્સ" ફરી એક વખત એક ઐતહાસિક સફર ઉપર નીકળી રહી છે. જેમાં ભારતથી શરૂ કરીને ૨૫ થી વધુ દેશના પ્રવાસ પછી લગભગ ત્રણ મહિને આ યાત્રા લંડનમાં પુરી થશે. એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ આ દરમિયાન આ ત્રણ બાઈકિંગ કવીન્સ પસાર કરશે. આ ઐતહાસિક બાઈક રેલીનું પ્રસ્થાન આગામી પાંચમી જૂનના રોજ ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી વારાણસી ખાતે મુખ્યમંત્રી મહંત યોગી આદિત્યનાથ કરાવશે.બાઇકિંગ ક્વીન્સના સ્થાપક એવા ડો.સારિકા મેહતાની સાથે ૨૫ દેશની આ યાત્રામાં ગૃહિણી જીનલ શાહ અને વિદ્યાર્થીની ૠતાલી પટેલ પણ જોડાવાના છે.

આ સમગ્ર યાત્રા અંગે ડો.સારિકા મેહતાએ જણાવ્યું હતું કે, અમે કાશી વિશ્વનાથના આશીર્વાદથી યાત્રા શરૂ કરીશું અને બીજા દિવસે અમે પશુપતિનાથ સુધી પહોંચીશું. અમે જે રૂટ ઉપરથી જવાના છીએ એ રૂટ ઉપર અમારાથી પેહલા કોઈ ભારતીય કોઈ પણ પ્રકારના વાહનમાં નથી ગયું. અમે હિમાલયની તળેટીથી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીની ઊંચાઈ ઉપર અને કીર્ગીસ્તાન, ઉઝબેકિસ્તાનના રણ પ્રદેશમાં પણ બાઈક ઉપરથી પસાર થઈશું. એશિયા અને યુરોપના દેશની સાથે અમે આફ્રિકાના મોરક્કો પણ જવાના છીએ. ૨૫ થી વધુ દેશ આ સફરમાં આવશે અને અમે આ દેશમાં આવેલી ભારતીય એલચી કચેરી કે હાઈ કમિશ્નરને મળીશું, આ દેશમાં વસતા ભારતીય સમાજ અને બાઈકિંગ સાથે સંકળાયેલા લોકોની મુલાકાત કરીશું. આ વખતની યાત્રાનો ઉદ્દેશ અમે "નારી ગૌરવ" રાખ્યો છે, "Ride for Women Pride". ભારતીય નારીના ગૌરવને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરવાનો અમારો ઉદ્દેશ છે. વિશ્વને એ બતાવવું છે કે ભારતીય નારી ક્યાંય પાછળ નથી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="96549,96550,96551"]

ડો.સારિકા મેહતા આ પેહલા WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)ના સહયોગમાં યુરોપ, આફ્રિકા, રશિયામાં બાઈક રાઇડિંગ કરી ચુક્યા છે, જયારે જીનલ શાહ અને ૠતાલી પટેલની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય રાઇડિંગ છે. ડો.સારિકા જીજ્ઞેશ મેહતા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, સાથે એ પર્વતારોહી પણ છે, બે બાળકોની માતા છે. જીનલ જેનીશ શાહ ગૃહિણી છે અને બે બાળકોની માતા છે. ૠતાલી દિલીપ પટેલ બીસીએ ભણી છે અને હવે એમ.બી.એ. કરી રહી છે.

ડો. સારિકા મેહતાએ જણાવ્યું હતું કે સ્ત્રી અસુરક્ષિત છે એ ગ્રંથિ તોડવા માટે અમે નીકળી રહ્યા છીએ. પડકારો અમારી સામે જ છે, ઊંચા પર્વતો, રણ, બરફ બધા જ પ્રકારના બદલાતા મૌસમની સાથે અમારે આગળ વધવાનું છે. પડકારોનો સામનો કરીને જ કંઈક હાંસલ કરી શકાય છે, આવા પડકાર જનક સાહસ કરીએ તો જ તો પોતાના માટે અને બીજાના માટે પ્રેરણા પુરી પાડી શકાય. આ વખતે અમારી સાથે યુનાઇટેડ નેશન-વુમન જોડાયું છે. જેથી અમારી આ યાત્રાને વૈશ્વિક સ્વીકૃતિ મળી રહી છે.

આ પ્રસ્થાન કાર્યક્રમ અંગે જીનલ શાહએ જણાવ્યું હતું કે, યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથને રૂબરૂ આમંત્રણ આપ્યું છે અને એમણે હાજર રહેવાની સંમતિ આપી છે. વારાણસી એટલા માટે કે અમારે ૬ઠ્ઠી જૂને નેપાલ પ્રવેશ કરવાનો છે. સાથે જ અમેં પવિત્ર ગંગા, કાશી વિશ્વનાથના આશીર્વાદ લઈને આ કઠિન યાત્રા ઉપર નીકળીશું.

તો આ અંગે ૠતાલી પટેલએ જણાવ્યું હતું કે આ યાત્રા માટે અમે ત્રણ બહુ ઉત્સાહિત છીએ, એ માટેની તૈયારી અમે એક વર્ષ પેહલાથી શરૂ કરી દીધી છે. અલગ અલગ વાતાવરણમાં રેહવું પડશે, સ્થાનિક પાણી અને ભોજન લેવું પડશે કારણ આટલા દિવસનું ભોજન તો સાથે લઇ ન જવાય. અમે ત્રણે શુદ્ધ શાકાહારી છીએ એટલે ભોજનના પ્રશ્નો વધુ નડશે.

ઉલ્લેખનીય છે કે બાઈકિંગ કવીન્સની અત્યાર સુધીની આ સૌથી લાંબી અને કઠિન યાત્રા છે, ભારત, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, લાઓસ, ચીન, કીગરીસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લટવીયા, લિથુનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ, બેલ્જીયમ, સ્પેન, મોરક્કો અને યુનાઇટેડ કિંગડમમાં આ યાત્રા પુરી થશે. અમે ભારતીય સ્વાતંત્ર્યતા દિવસ ૧૫મી ઓગસ્ટની ઉજવણી સ્પેનના બાર્સેલોનામાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને કરીશું.

Next Story