Connect Gujarat
Featured

અમદાવાદ : ઉદ્યોગો માટે રાજય સરકારે પાથરી લાલ જાજમ, નવા નિયમો લાગુ કરાયાં

અમદાવાદ : ઉદ્યોગો માટે રાજય સરકારે પાથરી લાલ જાજમ, નવા નિયમો લાગુ કરાયાં
X

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ઉદ્યોગ નિતિની જાહેરાત કરી છે. આ પોલિસીમાં અન્ય રાજ્યો તેમજ વિદેશના ઉદ્યોગકારો માટે લાલ જાજમ બિછાવવામાં આવી છે.

ગાંધીનગરના સૂત્રોનું માનીએ તો હાલ આ પોલિસી રાજ્યના નાણાં વિભાગમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી છે. ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં જાન્યુઆરી 2021માં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ થશે કે તેમ તે અંગે હજી અનિશ્ચિતતા છે પરંતુ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા ઇચ્છુક ઉદ્યોગજૂથોને પોલિસીના લાભ આપવાના શરૂ કરી દેવામાં આવશે.

નવી ઉદ્યોગ નીતિ ગયા ડિસેમ્બરમાં જાહેર કરવાની હતી પરંતુ સરકારે તેમાં કેટલાક સુધારા સૂચવતાં નીતિની જાહેરાત થઇ શકી ન હતી. ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે રાજ્યની હાલની ઉદ્યોગ નીતિ 31મી ડિસેમ્બર 2019માં પૂર્ણ થઇ છે પરંતુ નવી નીતિ ન બને ત્યાં સુધી જૂની નીતિના લાભોને ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું

નવી નીતિમાં બીજા વધુ સેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આર્થિક ક્ષેત્ર ઉપરાંત કૃષિ સેક્ટરને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એ ઉપરાંત એરોસ્પેસ્, ડિફેન્સ, સ્ટાર્ટઅપ મિશન, ટેકનોલોજી અને સર્વિસિઝ તેમજ હોસ્પિટાલિટીને સામેલ કરવામાં આવશે. નવી નીતિમાં રોજગારીની તકોને પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પોલિસીમાં સરકારે વન અને પર્યાવરણ, ઉર્જા, ખોરાક અને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, પરિવહન અને નાણાકીય સંસ્થાઓ જેવા ક્ષેત્રોનો સમાવેશ કર્યો છે. ઉદ્યોગ નીતિમાં કુટીર ઉદ્યોગ અને કૌશલ્ય વિકાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને રાજ્યમાં જ્યાં જમીન ઉપલબ્ધ છે ત્યાં લેન્ડ બેન્ક બનાવવામાં આવી છે અને તે જમીન ઉદ્યોગોને આપવાનું નક્કી થયું છે.

ગુજરાતની નિકાસને ટારગેટ બનાવીને સરકારે ખાસ પ્રકારના નિકાસલક્ષી ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં ટેક્સટાઇ, હીરા, ફાર્મા, રસાયણ, એન્જીનિયરીંગ, ચાઇનીઝ માટીની ચીજવસ્તુઓ, તૈયાર કપડાં, ડીઝલ એન્જીન જેવા ક્ષેત્રોમાં પણ વધારે પ્રોત્સાહન આપવા માગે છે. એ ઉપરાંત આ વખતે સરકારે નવી નીતિમાં બાગાયતી ક્ષેત્રનો વધારે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે, કારણ કે આ ક્ષેત્ર વધારે રોજગાર આપી શકે છે અને નિકાસ પણ વધારી શકે છે.

Next Story