અમદાવાદ આઈશા આત્મહત્યા કેસમાં સેસન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. 25 ફેબ્રુઆરી 2021 ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશા એ પતિના ત્રાસના કારણે મોત વ્હાલું કર્યાં પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
"એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે" આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી વટવા વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા.વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માગી ઝઘડો કરી આઇશા પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે લઈ ગયાં હતાં. વર્ષ 2019માં આઇશાને તેના સાસરિયાં તેને પિયર માં મૂકી જતાં આઇશા તેના માતા-પિતા સાથે રહેતી હતી.